પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
26
સત્યની શોધમાં
 

રહ્યાં હતાં.

પ્રભાતે એને જુવારના લોટની કાંજી મળી, બે કલાક અદાલતમાં લઈ જવામાં આવ્યો.

ચૂનો છાંટેલી સફેદ દીવાલો; મોટો ખાલી ઓરડો; મૂઠીભર પ્રેક્ષકો : સફેદ કેશવાળા, કોઈ માતબર વેપારી આવીને કશોક વેશ ભજન તેવા સ્વાંગમાં બિરાજમાન મૅજિસ્ટ્રેટ, અને કેદીઓની લાંબી કતાર ઉપર બે પહેરેગીરો. નામ બોલાતું જાય છે, એક પછી એક કેદી બાઘોલા દિશાશૂન્ય ચહેરે પીંજરામાં ઊભો થાય છે, બેચાર વાતોની પૂછપરછ સાહેબની અને વકીલની વચ્ચે સપાટામાં પતી જાય છે. અને પ્રત્યેક કેદીને સજા ફરમાવાતી આવે છે. કંઈ જમાનાથી ચાલતી આવેલી રસમ મુજબ, અદાલતનાં યંત્રો બસ ચાલી રહેલાં છે. પાટા પર જાણે ટ્રીન દોડી જાય છે. માનવતાને ઓળખવાનો ત્યાં અવકાશ નથી, વહીવટી કામની ભીડાભીડ છે, થોભવાનો કોઈને સમય નથી.

પછી શામળનું નામ પોકારાયું. શો ગુનો ? ભામટાવેડાનો.

ન્યાયમૂર્તિએ આરોપીને પૂછ્યું : “તારે કાંઈ કહેવું છે ?”

“પણ સાહેબ – શામળ બોલવા ગયો, તેટલામાં બાજુએ ઊભેલા પોલીસે એને કમ્મરમાં હળવો ઠોંસો મારીને શીખવ્યું : “ ‘નામદાર’ કહે.”

“નામદાર. મારી પાસે એક દમડીય નથી. ને હું આખો દા’ડો કામધંધો શોધતો હતો.”

“તારે કોઈ સગું કે ઓળખીતું છે. આ ગામમાં ?”

“ના, નામદાર.”

“શી રીતે આવ્યો અહીં ?”

“માલગાડીમાં ચડીને.”

“વારુ ! છોકરા ! તું કઠેકાણે આવ્યો છે. અમારે આ લક્ષ્મીનગરમાંથી તો ભામટાવેડાને – રઝળુવેડાને ઘસીભૂંસીને સાફ કરી નાખવા છે. ત્રીસ દિવસની સખત મજૂરીની કેદ. ચાલો, બીજો કેસ.”

“પણ નામદાર –” શામળ શ્વાસભર્યો બોલવા મથ્યો.