પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અદાલતમાં
27
 


“બીજો કેસ,” મૅજિસ્ટ્રેટે ફરી બૂમ પાડી.

પોલીસે શામળને ધકેલ્યો. શામળે ચીસ નાખી : “પણ નામદાર, મને જેલમાં શીદ મોકલો છો ? મારો વાંક નથી, હું નીતિદાર છોકરો છું. હું કામધંધો શોધતો હતો. મેં કશું કર્યું નથી. મારા ઉપર દયા કરો.”

સિપાહીએ એની સાથે જડતા આદરી. શામળ પોતાના શરીરને ઝોંટાવવા લાગ્યો. એની ચીસોમાં કંઈક એવું તત્ત્વ હતું કે જેથી મૅજિસ્ટ્રેટ થોભ્યા, પૂછ્યું : “રહો, શું છે અલ્યા ?”

“નામદાર, હું લૂંટાઈ ગયો તેમાં મારો શો ગનો ? અને હું મહેનતમજૂરી માગું નહીં તો બીજું શું કરું ? તમને ખબર નથી, નામદાર, પણ હું પ્રામાણિક માબાપનો પુત્ર છું. મને જેલ મળશે એવો વિચાર પણ જો મારા બાપુને આવ્યો હોત તો એને મરવા જેવું થાત. નામદાર, એણે મને ઉછેરીને મોટો કર્યો તે ભીખવા કે ચોરવા સારુ નહીં, પણ મહેનતનો રોટલો ખાવા સારુ. આ મારા શરીર સામે તો જુઓ, નામદાર, મજૂરી વિના આવું શરીર હોય કદી ?” કહેતાંકને શામળે કોર્ટ વચ્ચે બાંયો ચડાવવા માંડી.

“વારુ, તારો બાપ કોણ હતો ?”

“રામપરા ગામના ખેડુ હતો, નામદાર. આંહીંની લક્ષ્મીનંદન ફૅક્ટરીના શેર લીધા એમાં અમારું નખોદ વળ્યું. નહીંતર –”

“સાચું, છોકરા ! હું પણ એ લક્ષ્મીનંદનની લહાણમાં આવ્યો છું.” મેજિસ્ટ્રેટને સહાનુકંપા ઊપજી. અદાલતમાં પ્રેક્ષકો હસી પડ્યા. શામળ શરમાઈ ગયો.

“નામદાર, હું માફી માગું છું.”

“કંઈ નહીં. ભાઈ શામળ, જા, લક્ષ્મીનંદન ફેક્ટરીના નામ પર તને હું એક તક આપું છું. ફરી મને કદી આંહીં મોં ન બતાવતો, હાં કે ?”

“કદી નહીં આવું. પણ હું ક્યાં જાઉં ?”

“લક્ષ્મીનગરમાંથી બહાર.”