પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
28
સત્યની શોધમાં
 


“પણ શી રીતે ? મારી કને પૈસા નથી. મને તમે નામદાર કંઈક કામધંધો ન અપાવો ?”

“ના, ના. હું દિલગીર છું. આ અઠવાડિયે મેં ત્રણ જણાને ધંધો અપાવ્યો. હવે હું ચોથાને ઠેકાણે પાડી શકું તેવું નથી.”

“પણ ત્યારે –”

“આ લે, મારા ગજવામાંથી હું તને એક રૂપિયો આપું છું.”

“મારે ભીખ નથી જોઈતી.”

“તું કામધંધે વળગે ત્યારે મને મોકલી આપજે. લઈ લે. ચાલો – કેદીને છોડી મૂકવામાં આવે છે… બીજો કેસ.”

મૅજિસ્ટ્રેટ પાસે એક ખુરસી પર ઍસેસર તરીકે એક ગૃહસ્થ બેઠેલા તે બોલી ઊઠ્યા : “માફ કરજો. હું વચ્ચે બોલું છું, પણ એ છોકરાને માટે હું કંઈક કામ શોધી આપીશ.”

“સરસ વાત. પ્રોફેસર ચંદ્રશેખર ! છોકરા, જો આ અહીંની એક મોટી કૉલેજના વિદ્વાન અધ્યાપક ચંદ્રશેખરસાહેબ છે. એ તને ધંધો શોધી આપશે.”

“લે આ મારું કાર્ડ, છોકરા ! તું કાલે મારી પાસે આવજે.”

શામળ કો અજબ આભારભીની આંખે આ સોનેરી ફ્રેમનાં ચશ્માંવાળા તારણહાર તરફ તાકી રહ્યો. શી વિદ્વત્તા ઝળહળતી હતી એના ચહેરા ઉપર ! શી કરુણા ! ભાવોની ધારાઓ ટપકતી હતી જાણે.

પોતાનું બાવડું પોલીસના વજ્રપંજામાંથી છૂટી ગયું છે એટલું ભાન થતાં તો શામળ સડસડાટ બહાર નીકળી પડ્યો. એના અંતઃકરણમાં દીવા થઈ ગયા. આખરે બસ મને પગથિયું મળી ગયું. આખરે આ દુનિયાનું કઠોર ઉપલું પડ ભેદીને હું અંદર દાખલ થઈ શક્યો, માનવતા તેમ જ હમદર્દીનાં દર્શન કરી શક્યો. હવે ફરીથી મારે આ ભયંકર અનુભવમાં નહીં ઊતરવું પડે.

હવે તો એનું જીવતર ખીલે બંધાઈ ગયું. એ સીધોસટ ચાલ્યો, ગામબહાર નીકળી ગયો. નદીકિનારાના એક નિર્જન સ્થાન પર આવ્યો,