પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
30
સત્યની શોધમાં
 

કારખાનું બંધ પડ્યું, ભાડૂત જાતાં રહ્યાં, મારા ચડત ભાડાના ત્રણ રૂપિયા પણ ન ચૂકવ્યા. કોનો વિશ્વાસ કરવો ?”

“તમે પણ દેશમાંથી આવેલ લાગો છો !”

“હા માડી, અમેય ગામડે ખેડ્ય કરતાં. ખેડ્ય ભાંગી કોકનાં ભોળવ્યાં અહીં આવ્યો. છોકરાંનો બાપ આ લખમીનંદન શેઠના કારખાનામાં કાચ ફૂંકવાનું કામ કરતો. રોજના રૂ. પાંચ મળતા, પણ એને ધગધગતા કાચના રસની મોટી ટાંકી પાસે કામ કરવું પડતું. જીવતાં શેકાઈ જાયેં એવી આગ. એક વાર એની આંખે અંધારા આવ્યાં, ને ધગતા કાચની મોટી શિલા માથે પડ્યો, મોં દાઝીને ખોળ ઊતરી ગઈ. ઇસ્પતાલે લઈ ગયા. ત્યાં એની એક આંખ ખોટી પડેલી કહીને કાઢી લીધી. સાજો થઈને પાછો આવ્યો, પણ વરસના ચાર જ મહિનાની મોસમ લેવાની ખરીને, અને આ છોકરાં નાનાં, એટલે પેટગુજારાનું કશું સાધન નહીં; તે કાચે જખમે કામ ઉપર ગયો. આ એમાં એનો જીવ નીકળ્યો બે વરસ વીતી ગયાં. મને કોઈએ કશી નુકસાની દીધી નહીં. ઓણની સાલ તો સાવ બેઠાબેઠ જાય છે. કારખાનાં બંધ થાય છે. જાણે આખી દુનિયાને ધબોધબ તાળાં દેવાતાં આવે છે. માણસો તે હવે ક્યાં જાશે ?”

શામળ સાંભળી રહ્યો. એને માટે આ બધી જ કથા નવી હતી. બાઈએ આગળ ચલાવ્યું : “મારે ત્રણ દીકરી છે, પણ કામે જવા જેવડી તો એક જ છે. અમારા આખા ઘરનો ઓધાર છે મારી મોટેરી તેજુ. મારી તેજુ જાય છે સૂતરની મિલમાં. ત્યાંય અરધો દી કામ ચાલે છે. હું કાંઈક સીવણનું કામ કરી થાગડથીગડ રોજી રળું છું. એમ અમે છ જીવ ગદરીએ છીએ.”

શામળને આ બાઈની વાતોથી પોતાના સંકટનું વિસ્મરણ થયું. બાઈનાં પાડોશીઓની કથનીઓ સાંભળી. આંહીં એક આખી સૃષ્ટિ એને ખદબદતી દેખાઈ. પોતાને લગાર જેલમાં જવું પડ્યું ને પોતાના પૈસા લૂંટાઈ ગયા, તેનો પોતે આટલો શોરબકોર મચાવી મૂક્યા બદલ એ શરમિંદો બની ગયો. તેજુની માએ કહ્યું કે, “અરે ભાઈ, જેલમાં જવાની