પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
તેજુની બા
31
 

તો હવે ક્યાં અચરજ છે ? હાલતાં ને ચાલતાં જેલ છે. તેજુના બાપે કારખાનાની હડતાલ વખતે ફક્ત એક મજૂરને કામે ન ચડવા આજીજી કરી, તો એને છ મહિના ખોસી ઘાલેલો.”

‘વખે દેશનું કૂતરુંય વહાલું લાગે’ એ ન્યાયે તેજુની બા અને શામળની વચ્ચે મા-દીકરા જેવી માયા બંધાઈ. શામળને એણે એક ઓરડી ભાડે કાઢી આપી, અને રોટલા પણ જમવાનું ઠરાવી આપ્યું.

સાંજવેળાએ નાની છોકરીઓ નિશાળેથી આવી. કપડાં ઉપર થીગડાં એટલાં બધાં હતાં કે મૂળ કાપડ કયું, ને કયું થીગડું, એ કળવું કઠણ હતું. છોકરીઓનાં શરીરો કોઈ ઠાર પડી હોય તેમાં દાઝી ગયેલ રીંગણીના રોપા જેવાં હતાં. તે પછી થોડી વારે તેજુ પણ ઘેર આવી.

આ તેજુ માએ જેને આખા ઘરનો ‘ઓધાર’ કહી ઓળખાવેલી તે આ તેજુ ! શામળે માનેલું કે, આખા કુટુંબની રોટલી રળતી તેજુ તો જુવાનજોધ, શરીરે લઠ્ઠ અને કાઠે કદાવર હશે. ગામડાંની અનેક ‘તેજુ’ઓ એવી દીઠેલી ખરીને ! એને બદલે આ તો બીજી નાનેરી બહેનો જેવી જ માયકાંગલી હતી. તેર વર્ષની ઉંમરની આ શહેરી તેજુ દસ વર્ષ જેવડી માંડ દેખાતી હતી. અજાણ્યા જુવાનને દેખીને તેજુએ પોતાના રૂની કીટીથી ભરેલા માથા પર ઓઢણાનો છેડો સંકોર્યો. એની આંખોનાં ઊંડાં ઊતરી ગયેલ રત્નો આ પરોણા સામે તાકી રહ્યાં. માએ શામળની ઓળખાણ આપી. થાકેલી તેજુ ઓરડાના ખૂણામાં બેસી ગઈ, વારે વારે એણે પોતાનો હાથ પોતાને લમણે ટેકવ્યો. શરીરની પ્રત્યેક ક્રિયા જાણે કે એને જોરાવરીથી કરવી પડતી – એ ઇચ્છાથી કે લહેરથી નહોતી કરતી – પણ એનો આત્મા એની બે ઊંડી આંખોમાંથી ડોકિયાં કરતો હતો. એ આંખો શામળની સામે વારંવાર તાકતી રહી. શામળ પણ તેજુના શરીર ઉપર જાણે કોઈક નિગૂઢ અત્યાચારનો ઇતિહાસ ઉકેલતો રહ્યો. સહુની સાથે વાળુ કરીને એ સૂતો. પોલીસ અને પોલીસની જીભને ટેરવે રમતો ‘ચાલાકી’ શબ્દ આજ એના સ્વપ્નમાં પણ દાખલ ન થઈ શક્યો. એની સ્વપ્નસૃષ્ટિમાં તો ગરીબના સાચા બેલી અને પરદુઃખે દાઝનાર પ્રો.