લખાણ પર જાઓ

પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રોફેસરનું તત્ત્વજ્ઞાન
33
 

પાયજામાની બાંયો ઊંચે ચડાવી પીઠાની ભોંય એક ગૂણપાટના ટુકડા વતી ઘસી સાફ કરવા માંડી. આગલી રાતના છાકટાઓનાં તોફાનથી દારૂ ઢોળાયાને લીધે પીઠાની બદબો સહી જાય તેવી નહોતી. પણ પુરુષાર્થની સુગંધ શામળના અંતઃકરણને એવી તો ભભકભરી ઘેરી રહી હતી કે, બીજી બદબો એને સ્પર્શી શકી જ નહીં. એ તો પોતાના ઉઘાડા શરીરની પેશીદાર ભુજાઓ સામે જ તાકી રહ્યો હતો.

મહેનતના બદલામાં શામળને નાસ્તો મળ્યો. પેટ ભરીને એ મુકર વખતે પ્રો.ચંદ્રશેખરને ઘેર પહોંચ્યો. બારણું ખખડાવતાં એક બાઈ આવીને ઊભાં રહ્યાં; પૂછ્યું: “કેમ, કોનું કામ છે ?”

“પ્રોફેસરસાહેબનું.”

“એ તો નવીનાબાદ ગયા છે.”

શામળના પેટમાં ફાળ પડી : “ક્યારે ગયા ?”

“કાલે રાતે.”

“ક્યારે આવશે ?”

“ત્રણ દિવસ પછી.”

શામળના મોં પરથી વિભૂતિ ઊડી ગઈ. “અરેરે ! મારું કંઈ નથી કહી ગયા ? મને આજ તો ધંધે લગાડવાની એમણે વાત કરેલી.”

"એ આવે ત્યારે આવજો.”

"પણ મારે ત્રણ દિવસ ખાવું ક્યાં ?”

બાઈ કશું સમજતી ન હોય તેવી નજરે આ ગામડિયા છોકરા સામે તાકી રહી. કોઈપણ માનવીને બીજા મનુષ્યના વચનને આધારે રહેવાથી – ને પ્રોફેસરસાહેબની ત્રણ જ દિવસની ગેરહાજરીથી ભૂખમરો વેઠવો પડે એ વાત જ બાઈને ગળે ઊતરી નહીં. એના હાથ આફૂસકેરીના રસવાળા હતા. બારણું બંધ કરીને એ અધૂરી મૂકેલી આફૂસ કાપવા ચાલી ગઈ.

શામળે ઘેર જઈને તેજુની બાને પોતાના સંકટની વાત કરી. રોજેરોજની રાબ લાવીને રાંધી ખાનારાં આ કંગાલોની કને એક શામળને