પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રોફેસરનું તત્ત્વજ્ઞાન
39
 


“એં… હાસ્તો !” પ્રોફેસરની જીભમાં જરીક લોચો વળ્યો.

“બસ, ત્યારે તો મારા મનનો ગૂંચવાડો ઊકલી ગયો, આખી સમસ્યા સહેલી થઈ ગઈ – કે હું ધંધારોજગારથી બાતલ છું, એટલે મારે મરવું જ રહ્યું.”

પ્રોફેસર તાકી રહ્યા. શામળ કટાક્ષ તો કરતો નથીને ! ના, ના, છોકરો બિચારો નિખાલસ દિલે બોલે છે. એ ખરા જિગરથી સત્યની શોધમાં છે.

“સાહેબ, આપે મને સમજ પાડી એ તો સરસ થયું, મારી ભ્રમણા ભાંગી ગઈ. પણ મારા જેવાં પેલાં લાખોને આ પરમ સત્યની સમજ પાડીને દિલાસો કોણ દેશે ? એ ભૂખે મરતાંને કોઈ જો એટલું બતાવે કે એમના આ મૃત્યુ થકી માનવજાતનું કલ્યાણ થઈ રહેલ છે – તો એ બધાં કેવી મોજથી ને કેવા માનથી મરી શકે ! એને કોઈ કાં ન કહે ?”

“ના, ના, એવું કહેવાથી એ લોકોને ઊંડો આઘાત થાય, ક્રૂર હાંસી જેવું લાગે. અમારાથી – જીવનમાં ફતેહ પામેલાઓથી – એવું તેઓને ન કહેવાય.”

“શા સારુ નહીં ? તમારી ફતેહ તો તમે તમારી લાયકાત વડે મેળવી છે ને ! તમે ક્યાં ચોરી કરી છે ? તમારા વિદ્યાલયને મોટા શ્રીમંતોએ જ ઊભું કર્યું હશે, ને તમને પણ એ લોકોએ જ નીમ્યા હશે.”

“હા, એમ તો ખરું જ ને ?”

“બસ ત્યારે. જીવનમાં વિજય પામેલા એક લાયક માનવી તરીકે તમારે પેલાં હજારો નાલાયક, નિર્માલ્ય, બેકારો કને જઈ કહેવું જોઈએ કે ભાઈ, તમે બેહદ વધી પડ્યા છો, તમારી જરૂર નથી. તમને ખેસવવા જ રહ્યા. તમે કુરબાની કરો.”

“હેં-હેં-હેં-હેં !” પ્રોફેસર હસી પડ્યા.

શામળ બોલ્યો : “હસવું સહેલું છે પ્રોફેસરસાહેબ, અમારા જેવા પીડાતાઓની પીડા પારખીને એનો ઇલાજ બતાવવાનું આપને નથી સૂઝતું. શા માટે સૂઝે ? આપને રહેવા બંગલો ને જમવા ફૂલકાં છે. આપ