પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
40
સત્યની શોધમાં
 

વિચાર તો કરો, આપ આ ખરું જ્ઞાન નથી પહોંચાડતા તેને કારણે કેટલાં નિરર્થક રિબાઈ રહેલ છે ? હું જેને ઘેર ઊતર્યો છું તે બાઈની દીકરી ટીપે ટીપે ખલાસ થઈ રહી છે. એનાં બચ્ચાંને રોટી નથી છતાં આ જ્ઞાનને અભાવે એ બધાં કોઈ ઉદ્ધારની આશાને તાંતણે ટીંગાતાં ટીંગાતાં, રિબાતાં, તસુ તસુ પ્રાણ કપાવતાં જીવે છે. એને નથી માલૂમ કે, એ બધાં કુદરતી યોજના અનુસાર જ નાલાયક ઠરી ચૂકેલાં છે. નથી માલૂમ તેથી તો એ કંગાલો જીવાદોરી ઝાલી રાખવા મથે છે, છોકરાં જણે છે, રોગ અને ભૂખમરો ભોગવે છે, બદી ફેલાવે છે, અંધારી ગંધારી ચાલીઓમાં ખદબદે છે. આ બધું શા કારણે ? તમે એક વાર જઈને ભેદ બતાવો – કે ‘જગત ઊભરાઈ ગયું છે, માટે તમે ખસી જઈને અમને સમર્થોને જગતનું હિત કરવાની તક આપો’, તો એમની દૃષ્ટિ આડેનાં પડળ ખસી જાય – ને એ ખોટી લાલચે જીવવાને બદલે વેળાસર પતી જવાનું જ પસંદ કરે. પણ તમને સમર્થોને અમારી શી પડી છે ? તમારું સત્યદર્શન, તમારું તત્ત્વચિંતન અમને શા ખપનું ? તમે સ્વાર્થી છો. તમારા દીવા ઉપર પાલી ઢાંકીને બેઠા છો !”

પ્રોફેસરને ન સૂઝ્યું કે આ ઉદ્‌ગારોથી રમૂજ પામવી, રોષ કરવો કે અંતસ્તાપ અનુભવવો. એણે ચુપકીદી ધરી.

શામળને તો જાણે નવાં દિવ્ય ચક્ષુ સાંપડ્યાં. એને દુઃખિતોનાં દુઃખોનો ટૂંકો અંત સ્પષ્ટ દેખાયો. કુદરતના કાનૂન આટલા ઉઘાડા અને અટલ છે એની જાણ થઈ.

“ભાઈ શામળ !” પ્રોફેસરે વાર્તાલાપની સમાપ્તિ કરી, “તને નારાજ કરવા બદલ હું દિલગીર છું. તને હવે થોડા પૈસાની મદદ કરી શકાતી હોય –”

“ના જી,” શામળ બોલી ઊઠ્યો, “આપે મને પૈસા આપવા જ ન જોઈએ. એ તો સખાવત કહેવાય. ને સખાવત વડે કંગાલોને જીવતા રાખવા એ તો કુદરતની વિરુદ્ધનું કામ.”

“હાં, હાં,” પ્રોફેસર ઝંખવાણા પડ્યા, “પણ તેં કહ્યું ને કે તું