પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




નિવેદન


[પહેલી આવૃત્તિ]

આ વર્ષના નોબેલ-પારિતોષિક માટે જેના નામની ભલામણ દુનિયાના વિદ્વાનો તરફથી કરવામાં આવી છે, તે સમર્થ અમેરિકન ચિંતક અને લેખક શ્રી અપ્ટન સિંકલેરના ‘સેમ્યુઅલ ધ સીકર’ નામે પુસ્તકને આધારે રચવામાં આવેલી આ ચોપડી છે. વસ્તુસંકલના અને વિચારણા મૂળ ગ્રંથકારની જ છે. અહીંના સંસારને બંધબેસતું ચિત્ર કરવાની કોશિશ મારી છે. મૂળ પુસ્તક કલાલક્ષી નથી, ધ્યેયલક્ષી છે. તેથી એનાં ચિત્રોનાં આછાંપાતળાં રંગરેખાનો વિશેષ ઉઠાવ કરવાની તેમ જ કેટલાક ઘાટઘૂટ આપવાની જવાબદારી મેં લીધી છે. ઉપરાંત મૂળ પુસ્તકનાં કુલ 315 પાનાંને અહીં 200માં સમાવી લીધાં છે.

પરપ્રજાની સમાજકથાઓનું ચોકઠું ઉઠાવી તેમાં આપણા સંસારને બંધબેસતો કરવાની પ્રથા વિશે મોટા બે મત છે. મેં પણ ખચકાતી કલમે જ આ પ્રયાસ કર્યો છે. બચાવ માત્ર આટલો જ છે કે આ નરી સામાજિક કથા નથી, એમાં આર્થિક–રાજકારણી તત્ત્વો આગળ પડતાં છે. મૂડીવાદની સત્તા અમેરિકામાં સંપૂર્ણતાએ પહોંચેલી હશે, અહીં મર્યાદિત હશે, છતાં મૂડીવાદના પાયા પર ચણાતા સમાજનું સ્વરૂપ સર્વત્ર લગભગ સમાન જ હોય છે. એને સંસ્કારોના કે સંસ્કૃતિના તફાવતો નડતા નથી.

તે છતાં આવી વાર્તાઓની પણ ઝીણી ઝીણી સામાજિક વિગતોમાં અત્યંત કાળજી જરૂરની છે. નહીં તો વેશ પહેરાવ્યા જેવું લાગ્યા કરે. દાખલા તરીકે આંહીંના ખેડુની કક્ષા ધ્યાનમાં લેતાં શામળને કાઠિયાવાડના કરતાં ગુજરાતના કોઈ સુધરેલા વ્યાપારી ખેડુનો પુત્ર કલ્પવાથી ઔચિત્ય વિશેષ સચવાય. તેજુને પણ પંદર-સોળ વર્ષની

[5]