લખાણ પર જાઓ

પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
42
સત્યની શોધમાં
 

ગળે પથ્થર બાંધી ડૂબી મરીશ તો તેથી લાખો નાલાયકો-બેકારોને ગમ પડવાની હતી એ ભવ્ય બલિદાનની ! અને એ રીતે મરવું તે તો આપઘાત લેખાય ને ! આત્મહત્યાનું તો ઘોર પાતક ઠરેલ છે - તેનું શું ?

કોઈ વીરત્વની રીતે, કોઈ પ્રચંડ જોખમમાં ઝંપલાવીને, કોઈ મહા આપત્તિમાંથી મનુષ્યોને ઉગારતાં ઉગારતાં મરણને ભેટવાનો અવસર મળે તો કેવું સારું ! મહાયુદ્ધ જાગે, ભયાનક બીમારી ફાટી નીકળે, આગ લાગે, તો તેમાં સૈનિક, નર્સ અથવા બંબાવાળો બનીને દેહ પાડી નાખું. પણ આજ તો તે બધી જ દિશાઓમાં ભીડાભીડ છે. મૃત્યુનો રાહ પણ ટોળાંઓથી ભરચક છે. કેવળ લાંઘણો ખેંચીને પગ ઘસડતાં ઘસડતાં કુત્તાને મોતે મરવા સિવાય અન્ય બારી નથી. દુનિયામાં મારો સમાવેશ નથી – નથી મૃત્યુમાં કે નથી જીવનમાં. જગતમાં ધસી રહેલાં મહાપૂર મને કેવળ કોઈ ઓવાળની માફક, કાંટાના ગળિયાની માફક કાંઠે કાઢી નાખવા માગે છે. મારા અવસાનને ઉજ્જ્વલ બનાવનાર કોઈ મોકો જ મને દુનિયા આપવા માગતી નથી.

સવારનું શામળે ખાધું નહોતું, એટલે હવે નિરાહારે દેહ પાડી નાખવાના એક માત્ર રાહ પર એણે પ્રયાણ આદર્યું. એણે પોતાના ઊંડા ગયેલા ઉદર પર ધોતી કસકસાવી લીધી. એ આગળ ને આગળ ચાલ્યો - પોતાના પંચભૂતની આહુતિના કોઈ અવસરની રાહ જોતો.

અચાનક એણે પોતાની પછવાડે કોઈ ઘોડાના ડાબલાનો ઘોર તડબડાટ સાંભળ્યો. પાછો ફરીને નજર કરે છે તો એ નિર્જન રસ્તા ઉપર એક ડમરી ચડી છે. એ આંધીમાં વીંટળાયેલો એક ઘોડો પૂરપાટ કારમા વેગથી દોડતો આવે છે. ઘોડાની પાછળ એક વાહન સાંકળેલું લાગે છે. વાહનમાં કોઈ માનવી બેઠું દેખાય છે. એક જ મિનિટમાં શામળ પામી ગયો કે નક્કી ઘોડો તોફાને ચડી નાસી છૂટ્યો છે. વાહનના ચૂરેચૂરા થઈ જવાને ઝાઝી વાર નથી. ઘોડો ક્યાં જઈને એ ગાડીને અને અસવારને ફગાવી દેશે એની કલ્પના થતી નથી. અંદર બેઠેલાને માટે તો એ ઘડી બે ઘડીનો જ મામલો છે.