લખાણ પર જાઓ

પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દિત્તુભાઈ
45
 

લહેરાતું ખમીસ; જાતવંત પાણીદાર ઘોડલો; રૂપેમઢ્યો ઘોડાનો સામાન : અને રબર ટાયરની ચકચકતી ગાડી નીરખીને શામળ સમજી ગયો કે મેં બચાવ્યો તો છે કોઈ શ્રીમંતને – અર્થાત્, જગતના એક ફતેહમંદ, લાયક, સમર્થ, ભાગ્યવંત માનવીને; માનવજાતના એક મહિમાવંત વીરને, જગતના સ્તંભને મેં જીવતો રાખ્યો છે – નિર્માલ્ય, નિરુદ્યમી ને નિરર્થક બોજો વધારતા કોઈ મામણમૂંડા કે અળશિયાને નહીં.

લક્ષ્મીના લાડીલા એ નૌજવાને કહ્યું : “તું જરા પકડી રાખ, તો હું લગામનો સાંધો કરી લઉં. પછી ચાલ મારી સાથે. હું તને પ્રથમ તો જમાડું.”

“ના ભાઈ, મારે સારુ એવી ઉપાધિ શા સારુ ?”

“અરે વાત છે કાંઈ ? હું શું તને – મારા ઉગારનારને – એમ રઝળવા દઈશ ? તારે સારુ કશું નહીં કરું, એમ ?”

"મને તો આશા નહોતી.”

“તો તો થડંથડા કહેવાય ને ! ચાલ ઊઠ, હું તને સરસ ધંધો અપાવીશ.”

ધંધો અપાવીશ ! શામળનું હૈયું થગનની ઊડ્યું. પણ પ્રો. ચંદ્રશેખરનું તત્ત્વજ્ઞાન એના ભેજામાં ઘૂમતું હતું. હું આ માણસ પાસેથી ધંધો કેમ લઈ શકું ? કોઈ બીજાને કાઢીને મને બેસારશે ને ? ફિકર નહીં. મેં મારા પુરુષાર્થ વડે, મારા દૈવત થકી પ્રાપ્ત કર્યું છે ને ! હું ક્યાં ગૂંટાવવા ગયો છું ? દુનિયાના વિજયવંતોમાં મેં મારું સ્થાન મેળવ્યું છે. નિર્માલ્યોએ તો સમર્થોને રસ્તો કરી આપવો જ રહ્યો. વળી હું તેજુની માને પણ ઠેકાણે પાડીશ.

ઘોડાને ફરી વાર કાબૂમાં લઈ બન્ને જણા ગાડીમાં બેસી ચાલ્યા. રસ્તે પેલા લક્ષ્મીના લાડકવાયાએ શામળના નામઠામની પૂછપરછ કરી. પ્રો. ચંદ્રશેખરની પણ વાત નીકળી. તુરત જ એ જુવાને ઉચ્ચાર કાઢ્યા : “ઓહો, પેલો બેવકૂફ બુઢ્ઢો શેખરડો કે ?”

“તમે એને ક્યાંથી ઓળખો ? કૉલેજમાં ભણ્યા છો તમે ?”