પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ફૂલોનો બાગ
47
 

 “હું એનો પુત્ર છું. મારું નામ આદિત્યકુમાર, મને સહુ દિત્તુભાઈ કહી બોલાવે છે.” 

8

ફૂલોનો બાગ

શામળના રોમેરોમમાં ઉલ્લાસનું જે નૃત્ય જાગી ઊઠ્યું, આનંદ ઊઠ્યો, તે સમજવા માટે એના મનની દશા વિચારવી જરૂરની છે. એ બાળકની બાળ-આંખો જગતની સાચી વિભૂતિને શોધી રહી હતી. અને વિભૂતિ, સમર્થતા, વિજય ને લાયકી કયા ગુણે પરખાય તે પાઠ તો એને એક પ્રખર વિદ્વાને ભણાવ્યો હતો. એ ધોરણે જોતાં તો જગતમાં લક્ષ્મીનંદનનો જોટો ક્યાં જડે તેમ હતો શામળને ? પ્રચંડ કાચ-કારખાનાનો કુલકુલાં માલિક; લક્ષ્મીપુરનાં માનવીઓને ટ્રામોની સુખાકારી પૂરી પાડનાર; ઘેર ઘેર ગૅસ અને પાણી પહોંચાડનાર; ને જેના નામ પરથી શહેરની કોલેજનું નામ પડ્યું હતું, જેના પ્રત્યેક કાર્ય પર ને માલિકી પર વિજય અંકિત થયો હતો; જીવનસંગ્રામમાં જેણે કોટકોટાન સમૃદ્ધિ હાથ કરી હતી; હજારો લોકો જેને આશરે ગુજરતા; રાજશાસનમાં જેનું સત્તાબળ અસીમ હતું એવા નરશાર્દૂલને જગતની કેટકેટલી સેવા બજાવ્યા બદલ આ કીર્તિ અને આ મહિમા મળ્યાં હતાં ! શામળની નજરમાં લક્ષ્મીનંદન શેઠ દુન્યવી ફતેહના એક અણિશુદ્ધ આદર્શ પુરુષ તરીકે – વેંતિયાઓની સૃષ્ટિમાં વિરાટ તરીકે – આજ સમાતા નહોતા.

– ને એનો આ પુત્ર આદિત્યકુમાર ઉર્ફે દિત્તુભાઈ : પિતાના વિજય તેમ જ ગૌરવનો જેને વારસો વર્યો છે; જેના રક્તના કણેકણમાંથી શ્રીમંતાઈ તેમ જ સમર્થતાના સંસ્કારો મહેક મહેક થઈ રહ્યા છે; એવા અદ્ભુત માનવ-રત્નની આવરદા બચાવવાનું પરમ ભાગ્ય મારા જેવા