પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
48
સત્યની શોધમાં
 

રંક ગામડિયાને પ્રાપ્ત થયું ! જગતની એક વિભૂતિની તહેનાતમાં રહી તેના ગુણોનો પરિમલ પીવાની મને તક મળી ! આવા શુદ્ધબુદ્ધિના વિચારોએ શામળનું હૈયું તર કરી મૂક્યું. એની આંખો આનંદને આંસુડે ભીની બની. એના પેટમાં કપટ, કટાક્ષ કે તિરસ્કાર નહોતાં. સાચે જ એ મુગ્ધ બન્યો હતો, અંજાયો હતો – આ વિજયી જીવનના તેજ-અંબાર થકી.

ગાડી બંગલાના મંડપમાં જઈને ઊભી રહી કે તુરત જ ફરાસ હાજર થઈ કૂમચી વડે વીંઝણો ઢોળવા લાગ્યો.

“જયમલ !” આદિત્યકુમારે છટાથી નીચે ઊતરીને બંકો સીનો કરી કહ્યું, “જો આ લગામ, બતાવી આવ મેઘજીની દુકાને. કહે કે પૈસા લઈને માલ આપો છો, કે શું ખેરાત કરો છો ?”

પગથિયાં ચડે છે ત્યાં ‘નંદનવન’ના ચોક્કસ જરિયાની પોશાકે સજ્જ થયેલા અનુચરો ઝૂકીને ઊભા છે.

“રૂપલાલ !” દિત્તુભાઈએ આજ્ઞા દીધી, “આપણા મહેમાનને માટે બીજે માળે ચા-નાસ્તો લાવો.”

દિત્તુભાઈની સાથે શામળ ઉપર ચડવા લાગ્યો. અરધે દાદરે જાય ત્યાં નખશિખ નગ્ન એક સુંદરીનું પૂરા કદનું ચિત્ર લટકતું દીઠું. શામળ જોઈ રહ્યો. નગ્ન માનવીનું ચિત્ર શા માટે ? ઉપર જતો ગયો તેમ તેમ તો બહુવિધ ચિત્રો-તસવીરોની સાથોસાથ એવાં દિગમ્બર બાવલાંની અને ચિત્રોની આખી સૃષ્ટિ સજ્જિત દીઠી. ભોળા શામળે માન્યું કે સતજુગમાં પ્રવર્તેલી આ નિર્દોષ નગ્ન સુંદરતાના ઉચ્ચ સંસ્કારો આ શ્રીમંતના ઘરમાં પણ છવરાઈ ગયા લાગે છે. એ વેદયુગના ઋષિમુનિઓ ગાળતા હતા તેવા જીવન પ્રત્યે ખરે, આ કુટુંબમાં ઊંડો ભક્તિભાવ પ્રગટેલો હશે.

એ ભભકદાર બીજા માળના એક ખંડમાં દિત્તુભાઈએ આરામખુરસી પર પડ્યાં પડ્યાં શામળને ભોજન પિરસાવ્યું. પરોણાની ક્ષુધાને પારખી ગયેલ એ લક્ષ્મીપુત્રે નોકરોને તેમ જ રસોઇયાને ત્યાંથી રુખસદ દઈ દીધી ને પછી કહ્યું: “હાં દોસ્ત, દો હવે ત્રાપડ. મારાથી