પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ઠરાવવી જોઈએ. વાચકોએ એમ જ સમજી લેવું. વળી શામળ, વિનોદિની ને તેજુ જેવાં પાત્રોની જ્ઞાતિનો નિર્દેશ મારાથી થઈ શક્યો નથી, તેનું પણ એ જ કારણ છે કે એમ કરવા જતાં વાત મેળ ખાય જ નહીં.

બીજું : મૂળ પુસ્તક મુજબ આખી કથાને બનતાં થોડા દિવસો જ લાગે છે. ખરી રીતે શામળને આટલા બધા અનુભવોમાંથી પસાર કરાવવા સારુ છ-બાર માસ જવા દેવા જ જોઈએ.

વાર્તાના વસ્તુ તેમ જ રહસ્ય ઉપર અભિપ્રાય આપવાનો અધિકાર મને નથી. મૂડીવાદના સાચા સપાટા જેઓએ ભોગવેલ છે, અથવા તો નજીક જઈને પ્રેક્ષકરૂપે નિહાળેલ છે, તેઓની અને શ્રી અપ્ટન સિંકલેરની વચ્ચે જ એ ગુણદોષ તોળવાનું કાર્ય થઈ શકે. મારા જેવાને તો એ ત્રીસ વર્ષના સ્વાનુભવી અને જગન્માન્ય ચિંતકના બોલો ઉપર વિશ્વાસ જ શોભે.

અલબત્ત, આજે આપણા દેશના શાસન પર દેશી મૂડીવાદ સંપૂર્ણતઃ સત્તારૂઢ નથી થયો, એટલે અંશે કદાચ આખું ચિત્ર અહીંની પરિસ્થિતિને પૂરો ન્યાય ન આપતું હોય, તો તેટલા પૂરતું અને વર્તમાન પરત્વે ઓછું સ્થાન. પણ આજે નહીં તો કાલે કે પરમદિવસે દેશના શાસન પર દેશી મૂડીવાદની સત્તાના એકાદ-બે દાયકા કલ્પવા કઠિન નથી. એવા એક-બે દાયકાની છાયા તળે સમાજ સહેજે આવું સ્વરૂપ ધારણ કરેય ખરો. એવા કોઈ ભાવિની સામે ચેતવણી તરીકે આ ચોપડીનું સ્થાન ખરું કે નહીં ?

આમાં આવતાં પાત્રોને કોઈપણ જીવતી કે વિગત વ્યક્તિ સાથે કશો જ સંબંધ નથી.

બોટાદ : 7-7-1932
ઝવેરચંદ મેઘાણી
 


[બીજી આવૃત્તિ]

નવી આવૃત્તિમાં બે ઊણપો પૂરી લેવાની સલાહ આ પુસ્તકના પ્રેમીજનો તરફથી મળી હતી : એક તો એ કે પુસ્તકનો અંત એકાએક

[6]