પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ફૂલોનો બાગ
53
 

મીઠી સુગંધ આવતી હતી! આપણાથી રહેવાય નહીં તેવી, હોં કે ! ને વિનોદબહેન દરેક બાળકને ભેટ દેતાં કેવાં હસતાં’તાં ! મારી સામેય હસેલાં, હો ! મને તો એવું લાગ્યું કે જાણે રાજાની કુંવરી ! મને તો એવું થતું હતું કે એના પગમાં પડીને એના પગની આંગળીઓને બચી કરી લઉં !”

“ખરે જ, એમ જ થાય.” શામળે સમજપૂર્વક કહ્યું.

“આહા ! તમે તો એને મળી આવ્યા, એની જોડે વાતો કરી આવ્યા, નહીં ? તમે વાતો શી રીતે કરી શક્યા ? તમે શી વાતો કરી ?”

“એ તો હું ભૂલી જ ગયો છું.”

“અરેરે, મેં તો એનો અવાજ જ સાંભળ્યો નથી. કારખાનામાં મુલાકાતે આવેલાં ત્યારે બોલતાં’તાં, પણ સંચાના ખડખડાટમાં ક્યાંથી સંભળાય ? અમે તો એને જોઈ રહ્યાં હતાં, હો ! અમારી મિલ એના બાપુની છે, ખબર છે ને ?”

“ના.”

“એના બાપુને ઘણી મિલો છે. એ બહુ મોટા શેઠિયા છે, લખપતિ છે. ને આ એમની એકની એક દીકરી જ છે. એવી રૂપરૂપનો અવતાર છે કે બધાં એને પૂજે છે. છાપામાં એની બે છબી પણ એક વાર આવી’તી. મેં એ બેઉ છબી કાપી લઈને મારી કને રાખી છે. ચાલો દેખાડું.”

બીજા ઓરડાના ખૂણામાં એક ટિનની પેટી હતી, તેની અંદર તેજુનાં લૂગડાં હતાં, છેક તળિયેથી એણે એક કપડું કાઢ્યું, એ કપડાનાં સાત પડો ઉખેળતાં અંદરથી બે કાપલીઓ નીકળી. બન્નેમાં વિનોદિનીની તસવીરો હતી. એકની નીચે લખેલું – ‘મિસ વિનોદિની લીલુભાઈ શેઠ, સંધ્યાના સ્વાંગમાં.’ બીજા ઉપર છાપેલું કે ‘મિસ વિનોદિની, રાજકુમારીના પોઝમાં.’ વિનોદિનીના હાથમાં ગુલાબનો એક ગજરો હતો.

“આવું રૂપાળું બીજું કોઈ ક્યાંયે દીઠું છે, હેં શામળભાઈ ?” તેજુએ પૂછ્યું, “આહા ! મેં તો એને મારી ‘પરી’ કરીને સ્થાપ્યાં છે. મારાં