પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
54
સત્યની શોધમાં
 

સોણલામાં એ આવીને મને હેતથી પંપાળે છે. આહા ! જેઓ આવા રૂપાળાં હોય, તેઓ માયાળુ પણ એવા જ હોય, હો શામળભાઈ !”

“ખરી વાત છે. રૂપાળાં હોય તે હેતાળાં જ હોય.” શામળે કબૂલ કર્યું, ને પછી અચાનક કંઈક સ્ફુર્યું હોય તેમ કહ્યું : “તેજુ, મને એણે દેખાવડો કહ્યો. હું તે દેખાવડો હોઉં કદી ?”

ચમકતી એક દૃષ્ટિ માંડીને તેજુએ કહ્યું : “હાસ્તો, સાચે જ તમે રૂપાળા છો, શામળભાઈ ! જો તો, કેવો દુત્તો છોકરો છે !” .

દીવાલ પર ઝૂલતા એક તૂટેલા અરીસાના કટકામાં જઈને શામળ પોતાની સૂરત જોવા લાગ્યો. એને પોતાના રૂપની ગતાગમ નહોતી.

તેજુએ કહ્યું : “જોતા નથી શામળભાઈ, કેવા દેખાવડા ને કસાયેલા છો તમે ! તમારી ચામડીનો ચળકાટ કેટલો છે !”

“મને તો મુદ્દલ જ ખબર નહોતી.”

“– ને આહા ! તમે એની જોડે વાતો કરી હૈં ?” એટલું કહીને તેજુ, પાછી પેલી બે છબીઓને નિહાળી રહી; પછી એકાએક દિલ ઉદાર કરીને બોલી : “લ્યો શામળભાઈ, હું તમને આ ભેટ આપું છું. તમે એને તમારી ઓરડીમાં રાખજો.”

“ના તેજુ, તારે એ કોઈને ન આપવી જોઈએ.”

“નહીં,” છોકરીએ જિદ્દ કરી, “મને તો હવે એ હૈયામાં યાદ રહી ગઈ છે, મારી કને છબી ન હોય તો પણ હું એનું મોઢું યાદ કરી શકું છું.”


9
પહેલો અગ્નિસ્પર્શ

બીજે દિવસે દિત્તુભાઈ શેઠે શામળને વાડીનો વહીવટ સોંપ્યો, કહ્યું : “તમને ફાવે છે કે નહીં તે મને જણાવતા રહેજો હોં કે ?” શામળનું હૈયું