પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પહેલો અગ્નિસ્પર્શ

આભારની લાગણીથી દબાઈ ગયું.

‘નંદનવન’માં નોકરનો એકંદર તો પાર નહોતો. દિત્તુભાઈની અંગત સરભરા ઉઠાવવામાં પચીસ જણ રોકાયા હતા. એ પચીસની અંદર પણ દરજ્જા પડી ગયેલા. દિત્તુભાઈનો રસોઇયો પાંચેય કામવાળી બાઈઓને પોતાનાથી ઊતરતી લેખી દબડાવતો. રસોઇયા ઉપર વળી ‘ભાઈ’નો પાસવાન ભૂપતો લાલ ડોળા રાખતો : હિસાબી મહેતો રંગીલદાસ પગાર ચૂકવવાને દિવસે તમામની પાસે લાચારી કરાવી પોતાની મહત્તાનો પરમ આનંદ લેતો. પચીસ જણામાં જમવાની પણ પાંચ જુદી પંગત પડતી. ફક્ત એક-બે બાબતોમાં જ પચીસની એક ન્યાત હતી : નવરા પડીને એકબીજાની ખણખોદ અથવા ત્રાહિતની કૂથલી કરવામાં, તથા ઠાંસી ઠાંસીને જમવામાં. પચીસેયને જીવનમાં એક જ ધ્યેય હતું : લક્ષ્મીનંદનના કુટુંબની મોટાઈ ગાવાનું, કલાકોના કલાકો સુધી આ ઘરની સંપત્તિની તેમ જ સત્તાની સ્તુતિ કરવાનું, અને શેઠના કુટુંબીજનોની ઝીણીમોટી આદતો તથા અભિરુચિઓની મીમાંસા કરવાનું.

બાગવાન બનીને મેંદી કાતરતા શામળને પણ એક કાબર જેવી વાતોડિયણ ચાકરડી મળી ગઈ. ખવાસ કોમની એ સજુડીએ શેઠના આ માનીતા નવજુવાનના કાનમાં શેઠ-કુટુંબની અથ-ઇતિ કથા સીંચી દીધી : વરસ દહાડે દિત્તુભાઈને તો બેઠા બેઠા પાંચ લાખની આવક ચાલી જ આવે છે; કોને ખબર, માડી ! કે આ નાણું ‘ભાઈ’ ક્યાં ખરચે છે; બાપા મૂઆ પછી ‘ભાઈ’ એકલે પંડે જ રહે છે; ઘણુંખરું નવીનાબાદમાં પડ્યાપાથર્યા રહે છે; અહીં પછવાડેથી આખાં કોળાં ગળાય છે; હજી સગીર છે; વહીવટ એના એક વકીલના તથા વિનોદબોનના બાપા લીલુભાઈના હાથમાં છે; લીલુભાઈ મોટા શેઠના છેટેના સગા થાય; ભાઈબંધ પણ હતા. સહુ સમજે છે કે, ‘ભાઈ’ અને વિનોદબોન પરણશે. પણ વિનોદબોન તો એ સાંભળીને રાતાચોળ થઈ જાય છે. વિનોદબોનને બંગલે મારા ભાઈ કામ કરે છે, એટલે વિનોદબોનની તો તલેતલ વાત હું જાણું. ગરબા ગાવા મોટા મેળાવડામાં જાય; ઘોડેસવારી તો મરદ શું