પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
56
સત્યની શોધમાં
 

કરશે એવી કરે; જાળીવાળા બૅટ અને રબરના દડાની રમત રમવામાં મુછાળાનેય ભૂ પાઈ દે. વિનોદબોન દર સાલ ઉનાળે ધવલગિરિ નીલગિરિના પહાડોમાં જાય; દરિયાકાંઠે પણ પડાવ નાખે; દરિયામાં છરી ઘાટની મોટર-બોટ ચલાવે. ઓહોહો. કાંઈ વેગમાં ચલાવે, કાંઈ હાંકણી એની ! અને વિનોદબોનને લીંબુની પિપરમેટ બહુ ભાવે !

વિનોદબહેન વિશે શામળે તો ઘણી ઘણી વાતોનું શ્રવણ-પાન કર્યું. તેજુએ દીધેલી એની બેઉ છબીઓ શામળે બદનની નીચે બેવડમાં બરાબર કલેજા ઉપર જ દબાવી હતી. રોજ એના કાન એ ‘દેવી’ની મોટરના ભૂંગળાના અવાજ સારુ કે એના ઘોડાના ડાબલા સારુ એકધ્યાન થઈ મંડાઈ રહે છે. એનું ધ્યાન ધરતો ધરતો એ પોતાના હાથ નીચેના માળીઓને મેંદીનાં ઝુંડોમાંથી મોરલા ને ખુરસીઓ કંડારતા જોઈ રહે છે. બેએક મહિનામાં તો એનાં વેશપોશાક, વાણી, સૂરત, રંગઢંગ, બધું ફરી ગયું.

એક દિવસ સવારે ખોબો ભરીને ગુલાબ લઈ શામળ બંગલા ઉપર દિત્તુભાઈને દેવા જાય છે. બીજા માળના ઓરડામાં પેસતાં જ એ વિનોદબહેનની સાથે અથડાતાં અથડાતાં રહી ગયો; સીધાસટ ચાલ્યા જવાને બદલે ખંચકાઈને ઊભો રહ્યો, એના હાથમાંથી ગુલાબનાં ફૂલ ભોંયે ઢળ્યાં. એનું હૈયું જોરથી ધબકી રહ્યું.

“ઓહો શામળજી !” વિનોદિનીએ એને ઉજ્જ્વળ મોંએ બોલાવ્યો. “કેમ છો ? નવા કામકાજમાં ફાવે છે ને ?”

“બહુ જ ફાવે છે.” પછી એટલા જ પ્રત્યુત્તરની ઊણપ સમજી જઈને શામળે ઉમેર્યું : “હું બહુ સુખી છું. અહીં મને ખૂબ ગમે છે.”

થોડી વાર ચુપકીદી રહી. પછી વિનોદિનીએ પૂછ્યું : “તું શા માટે મારી સામે એકીટશે જોઈ રહ્યો છે, શામળ ?”

“હું-હું-હું” શામળ જાણે ગલોટિયું ખાઈ ગયો, “ના – હું નથી –”

“ખરે જ, તું જોઈ રહ્યો છે.”

શામળ ફફડી ઊઠ્યો : “ખરે જ – મારો કશો એવો હેતુ નહોતો