- હું કદી જ એવું –” શું બોલવું તેની એને સૂઝ ન પડી.
ને વિનોદિનીની નિર્દય મીટ એની સામે જ મંડાઈ રહી હતી. “સાચે જ શું હું એવી રૂપાળી છું, શામળ ?” એણે પૂછ્યું.
ધીમેથી એ બોલ્યો : “સાચે જ.”
“કહે, મને કહે જોઉં, હું કેવીક રૂપાળી છું ?” એ પૂછતી વેળાની એની દૃષ્ટિએ શામળના આત્માનાં ઊંડાણ વલોવી નાખ્યાં.
શામળ સ્તબ્ધ ઊભો. એના કંઠમાં ને એની ગરદનમાં જાણે ગરમ ગરમ રુધિરનાં મહાપૂર ઊમટ્યાં.
“કહે, કહે મને.” ફરી પ્રશ્ન થયો.
“તમે – તમે – તમારા જેવું રૂપ મેં કદી દેખ્યું નથી.” શામળના ગળામાં શ્વાસ નહોતો.
“તું સ્ત્રીઓમાં બહુ ભળ્યોહળ્યો નથી લાગતો. ખરું ?”
“ના, હું તો ગામડાનો છું.” શામળ કંઈક વધુ બોલશે એવી વાટ જોતી વિનોદિની તાકી રહી. શામળના મોંમાંથી શબ્દો ટપક્યા : “ત્યાં ગામડાંમાં રૂપાળી કન્યાઓ હોય છે. પણ તમે – તમે તો –” શામળની પીગળી જતી જીભે મહામહેનતે ઉમેર્યું, “તમે તો રાજકુમારી જેવાં છો.”
“ને શામળ ! તું કેવો છે તને ખબર છે ? તું ગામડિયો નથી.”
“હું ગામડિયો નથી !”
“ઓ શામળ ! તું કેવો અલબેલો યુવાન છે ! હું જે કહું તે તું મારે ખાતર કરે, ખરું ?”
“ખરું.”
“દિત્તુભાઈને ખાતર તેં પ્રાણ જતા કર્યા, તેમ મારે ખાતર પણ કરે, ખરું ?”
“તમારે ખાતર શું ન કરું ?” શામળનું કલેવર જાણે ઓગળીને ટપકી જતું હતું.
“એવો કોઈ અવસર આવી પડે તો કેવું સારું !” વિનોદિની હસી, “પણ અરે પ્રભુ ! એવા કશાયે અદ્ભુત અવસર વિનાનું આ નીરસ સૂકું