મરીશ. અરેરે, બાપ વિનાની અને માએ ત્યજેલી એક અબળા કુમારિકાનો આવો વિશ્વાસઘાત !”
“શામળ ત્યાંથી નીકળી ગયો, ઑફિસ પર જઈ એણે કહ્યું કે, ભાઈ, હું જાઉં છું. બાઈની ખબર રાખજો.” પણ ત્યાં કોઈ નહોતું.
‘નંદનવન’માં પહોંચ્યો ત્યારે પરોણાઓની ગાડી ઊપડવા માટે તૈયાર હતી; ગાડીનું મશીન હાંફી રહ્યું હતું. “સાહેબજી ! સાહેબજી, દિત્તુભાઈ ! ગુડનાઇટ – સ્વીટ સ્લીપ – હેપી ડ્રીમ્સ !” એવા વિદાય-સ્વરો. ફૂલોની ફોરમ-શા, વાતાવરણમાં મહેકી રહ્યા, ને એ સુર-લોકનાં વાસીઓને ઉપાડીને, રાત્રિની શાંતિ ચીરતી મોટર ચાલી ગઈ.
દિત્તુભાઈએ પોતાની સામે જરીક છેટે એક માનવી ઊભેલો દીઠો. પૂછ્યું: “કોણ છે ?”
“એ તો હું છું, સાહેબ !”
“કોણ, શામળ ? કેમ અત્યારે ?”
“હું પેલાં બાઈને હોટેલમાં મૂકવા ગયેલો, સાહેબ !”
“ઓહો સરસ કર્યું, શામળ ! બલા ગઈ.”
એ બોલનાર મોંની મુદ્રા શામળે પરસાળના ઝાંખા અજવાળામાં જોઈ. એ મુખમુદ્રા પર ભૂતાવળના નૃત્યનાં પગલાં પડ્યાં હતાં.
“આપને અડચણ ન હોય તો થોડીક વાત કરવી છે, સાહેબ !”
“જરૂર, શું છે ? કહો.”
“એ બાઈની બાબતમાં.”
“શું કહેવાનું છે ?”
“શેઠસાહેબ, એમની સાથેના વર્તાવમાં અધર્મ થયો છે.”
“એ રંડા સાથે ! અધર્મ !” દિત્તુભાઈ શામળ સામે આંખો ઠેરવી રહ્યો, “તું એ વંઠેલીનું નામ છોડ.”
“આપે એનો ત્યાગ ન કરવો જોઈએ, દિત્તુભાઈસાહેબ ! આપનો અંતરાત્મા આપને નિરંતર ડંખ્યા કરશે. આપે એને ફસાવીને…”
“શું ? શું ?” આદિત્યની આંખમાં કરડાઈ આવી, “એણે જ તને