પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ખૂનનો આરોપ
67
 

 શામળે સબૂરી રાખી. એ સબૂરીનો લાભ લઈ દિત્તુભાઈએ આગળ ચલાવ્યું : “તને એના પર પ્યાર જન્મશે, જોજે.”

“શેઠસાહેબ ! મને લાગે છે કે આપ મારો ઇરાદો જ નથી સમજ્યા. હું શા માટે આવ્યો છું, જાણો છો ?”

“શા માટે ?”

“આપને કહેવા માટે કે આ બધું દેખીને મારું અંતર કેટલું વલોવાયું છે. હું અહીં તમારી નોકરી કરું છું. તમારા સારુ કંઈનું કંઈ કરી નાખવાના મનોરથો મારા અંતરમાં ઊછળતા હતા. તમારી નજીકમાં રહેવાનું મળતાં હું મારું કેટલું અહોભાગ્ય માનતો હતો. તમારી અઢળક માયા, તમારી મોટાઈ, શેઠાઈ અને તમારી આસપાસની આવી સુંદર દુનિયા – એ બધાંને હું તમારી કોઈ મહાન પુણ્યાઈનું ફળ સમજતો હતો. ભગવાને તમને કોઈ પરમ લોકસેવાના બદલામાં તમારાં રૂડાં શીલ પર ત્રૂઠમાન થઈને આ સમૃદ્ધિ સોંપી હશે એમ મારું માનવું હતું. પણ હવે મને ઊલટી ખબર પડી – કે તમે તો દુર્જન છો.”

“ઓહો !” દિત્તુભાઈ કરડાકીમાં હસ્યા, “આ તો ધર્માત્મા !”

“મને તો કેટલો ત્રાસ છૂટી ગયો છે –”

“આમ જો, શામળ !” દિત્તુ શેઠનું ધૈર્ય ખૂટી ગયું. “તને અહીં કોણે આ ઉપદેશ કરવા મોકલ્યો છે ?”

શામળ તો એની ધૂનમાં બોલ્યો ગયો : “મને તો અચરજ થાય છે કે આમ કેમ બને ? પ્રોફેસર ચંદ્રશેખર કહેતા હતા કે તમે સહુ જગતના લાયક, સમર્થ, સ્તંભરૂપ માનવીઓ છો. પણ તો પછી તમારા કરતાં ચડિયાતા શીલના લોકોને કેમ તમારા જેવી સંપત્તિ ન મળી ? કેમ એ કંગાલો રહ્યા ? આમાં લાયકીની વાત જ ક્યાં રહી ?”

“જો સાંભળ, શામળ !” દિનુભાઈએ આરામખુરશીમાં પડીને હસતાં હસતાં કહ્યું, “હું શેઠ છું, તું ચાકર છે. મારામાં સંસ્કાર ને સભ્યતા છે, તું ગામડિયો રઝળુ જુવાન છે, ને છતાં તું મારાં કૃત્યો પર ન્યાય તોળવા બેસી જાય છે ? તારી ફરજ એક જ છે : મારા નિર્ણયને