પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
68
સત્યની શોધમાં
 

માથે ચડાવવો. જો મારા દરેક આચરણને તારી પાસે પસંદ કરાવવા આવવું પડે, તો તો પછી તું માલિક ને હું ચાકર; તો તો પછી મારા પૈસાનો પણ તું જ કબજો લઈ લેને !”

“દિત્તુભાઈસાહેબ ! મારા કહેવાનો હેતુ એ નથી. હું તમને મારી વેદના સ્પષ્ટ સમજાવી શક્યો નથી. પણ –”

“પણ શું ?”

“આ દારૂ, આ છાકટાપણું, આ બધું બરાબર નથી.”

“વારુ, તો પછી તારું શું કહેવું છે ?”

ઘડીભર મૌન છવાયું. પછી આદિત્યે સાફ સંભળાવ્યું : “શામળ, હું દુનિયાને ઊંચે આસને છું, ને ઊંચે જ રહેવાનો છું. હું ફાવે તે કરીશ, દારૂય પીશ, ને રંડીબાજીય કરીશ. તારે ફક્ત મારા હુકમો ઉઠાવવાના છે અને તને સોંપેલ કામ જ કરવાનું છે. બોલ, તને પાલવશે ?”

“જી ! મને લાગે છે કે મારે આપની નોકરી છોડવી પડશે.”

“બહુ સારું. પછી કાં તો તારે ભૂખ્યા રહી મરી જવાનું રહેશે, અથવા તો મારા જેવા કોઈ બીજાની નોકરી સ્વીકારી એના હુકમો ઉઠાવવાના રહેશે. તારા અભિપ્રાયો તારે તારા ખિસ્સામાં જ રાખવા પડશે. સમજ્યો ?”

“હા જી. સમજ્યો.”

“સારું, તો હવે જા; ઇચ્છા હોય તો તે અત્યારથી જ છૂટો છે. ને જઈને મૃણાલિનીને કહેજે કે મને મોં ન બતાવે. એને માસિક બસો રૂપિયા મળ્યા કરે એવી તજવીજ હું કરું છું, ને એ બંદોબસ્ત પણ એ જ્યાં સુધી મને નહીં રંજાડે ત્યાં સુધી જ ચાલુ રહેશે. મને જો કાગળની ચબરખી પણ લખશે, કે એના પ્રેમનું પ્રદર્શન કરવા અહીં આવશે, તો એને મળશે – હડસેલો. કહેજે જઈને.”

“સારું.”

“ને તારે પણ તારું સ્થાન સમજી લેવાનું છે. ફરી વાર તારે તારો દરજ્જો ભૂલવાનો નથી.”