“સારું, સાહેબ.”
શામળ બહાર નીકળી ગયો. એની સૃષ્ટિમાં કંઈક ઊથલપાથલ મચી હતી. વારંવાર બાંયો ચડાવીને પોતે જે ઉદ્યમને, પુરુષાર્થને, ધંધાને અભિમાન ધરી ચાહતો હતો, તેના તરફ આજ એને ધિક્કાર છૂટ્યો. પરસેવો નિતારીને પ્રાપ્ત કરેલી રોટીમાં પણ વિશુદ્ધિ ક્યાં ? નેકી ક્યાં ? જગતનું કલ્યાણ ક્યાં ? એ પ્રશ્ન એને ગૂંગળાવી રહ્યો. જેલમાં ગયો તે દિવસે જેમ કાયદો અને ઇન્સાફની પોતે માની લીધેલી પૂજનીયતાનો પડદો ચિરાઈ ગયો અને પ્રજાપીડનની આખી યંત્રમાળ ઉઘાડી પડી, તેમ આજે પણ પોતે માનેલા વિભૂતિમાન સમાનસ્તંભના પોલાણમાં સાપ ફૂંફાડતા દીઠા.
દોડતો એ પાછો હોટેલમાં આવ્યો. પેલી ઓરડી પર જઈ એણે ટકોરા દીધા. કોઈ ન બોલ્યું. “બાઈસાહેબ !” કોઈએ જવાબ ન દીધો.
“બાઈસાહેબ ! ઉઘાડો ! ઉઘાડો ! હું જરૂરી કામે આવ્યો છું !” કશો સળવળાટ નહોતો.
એણે કાન માંડ્યા. નિદ્રાનો શ્વાસ પણ કોઈ નહોતું લેતું.
ડરતાં ડરતાં એણે દ્વાર હડસેલ્યું. દ્વાર ઊઘડ્યું. એણે અવાજ દીધા. કોઈ નહોતું. અંધારે પલંગ સુધી જઈ એણે પથારીમાં હાથ ફેરવ્યો.
“ઓય !” કહેતાં એની ચીસ ફાટી ગઈ. એ હટ્યો.
પથારીમાં એના હાથને કશાક ગરમાગરમ, ભીના અને ચીકણા પદાર્થનો સ્પર્શ થયો.
એ બહાર ધસ્યો. દીવાને અજવાળે જઈ હાથ ઉપર નજર કરતાં તો એને આંખે અંધારાં આવ્યાં. પોતાનો હાથ લોહીમાં તરબોળ દીઠો.
“દોડો ! દોડો !” એણે બૂમ પાડી. એ નિસરણી ઊતરીને નીચે ગયો. હોટલનો માલિક દોડતો આવ્યો. શામળે કહ્યું: “જુઓ તો ખરા, એ બાઈએ શું કર્યું છે ?”
સહુએ આવીને બત્તી પેટાવી, બાઈનું કલેવર લોહીના પાટોડામાં પડ્યું છે. એના ગળા ઉપર મોટો ચીરો છે.