શામળે આંખો આડા હાથ દીધા. દરમ્યાન હોટલનો માલિક એની સામે તાકી રહ્યો હતો. કહ્યું : “આ જુઓ છો કે, મિસ્તર ?”
“આ શું છે ?”
“મિસ્તર, તમને આ ક્યારે ખબર પડી ?”
“હમણાં જ હું અહીં આવ્યો ત્યારે.”
“તમે બહાર ગયા હતા ?”
“હા જ તો. અમે આવ્યાં, ને હું આ બાનુને મૂકીને જ પાછો ગયો.”
“મેં તમને જતા જોયા નથી.”
“ના, હું નીચે ઑફિસે આવેલો, પણ તમે ત્યાં નહોતા.”
“ઠીક, એ બધું પોલીસને કહેજો.”
“પોલીસ !” શામળ ભયભીત બની પડઘો દીધો, “તમે શું એમ માનો છો કે આ મેં કર્યું છે ?”
“એ મને શી ખબર ? હું તો એટલું જાણું છું કે તમે એને અહીં લાવેલા. તમારે પોલીસના આવતાં સુધી રોકાવું પડશે.”
અરધા કલાક પછી શામળ પોલીસચકલા તરફ ચાલ્યો જતો હતો. એની બંને બાજુએ બે પોલીસો એનાં બાવડાંને કસકસતાં ઝાલીને ચાલતા હતા. આ વખતે એની સામે આરોપ હતો – ખૂનનો !
“ઓહો, બચ્ચાજી !” ફતેહમામદ ફોજદારે શામળના ચહેરા પર બત્તી ધરીને જૂની ઓળખાણ તાજી કરી, “તમે પાછા આવ્યા કે ! તે દિવસે મૅજિસ્ટ્રેટસાહેબની પાસે ચાલાકી કરીને છૂટી ગયેલા, ત્યારે જ હું