પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બબલો
73
 

નોકર છે. જરીક પૂછો તો ખરા. એમ ને એમ શું ફોજદારું ઠોક્યે રાખો છો, મારા સાહેબ ?”

“ઓ અલ્લા !” ફોજદારસાહેબ દાઢી ખજવાળી, શામળને બહાર કાઢી, ખાનગી ઓરડામાં લઈ ગયા.

ત્યાં તો સાહેબ આવી પહોંચ્યા. બાટલીવાળા સાહેબ પારસી હતા. તોતિંગ જડબાં હતાં. કદાવર શરીર હતું. એણે શામળને બોલાવીને ત્રાડથી જ કામ શરૂ કર્યું : “સું – સાલા ડામીજ, તું આય સું બકેચ ?”

“પણ સાહેબ, – શું –! હું શું –” શામળ થરથરી ઊઠ્યો.

“તું આ કોણને ભનાવેચ, સાલા ડામીજ !” સાહેબનો અવાજ ઊંચે ચડ્યો, “એ રંડી ‘નંદનવન’માંથી આવેલી, એમ કે ?”

“જી હા, સાહેબ !”

“એ…મ કે ? સાલા, મુને તું નાનો પોરિયો ધારેચ ?” અવાજ ત્રીજા સપ્તક પર ચડ્યો.

“હું સાચું જ કહું છું, સાહેબબ્!”

“સાચું ! સાચું, એમ કે ? મને બેવકૂફ બનાવેચ ? ને સું તીયાં એ રંડી ખાવા આવેલી કે ?” અવાજ તો હવે છાપરું તોડવા મથતો હતો.

“હા, સાહેબ.”

“એ…મ ! હજુયે તારી ચાલાકી છોડતો નથી કે ?”

ચાલાકી !

“સાચે જ સાહેબ ! એ ત્યાં આવેલી.”

“એ…મ ! કોઈની ઇજ્જત ઉપર તું હાથ નાખેચ કે ? પોરિયા ! તારી આ ચાલાકી હું ઉતારી નાખસ, હાં કે ?”

“પણ સાહેબ, હું સાચું જ કહું છું; એ ત્યાં વાળુ કરવા આવેલી.”

બાટલીવાળાસાહેબની પાસે આ ગુના તપાસવાની એક કરામત હતી. અક્કેક સવાલ ત્રણ વાર, એક પછી એક ચડિયાતે અવાજે, બોલનાર જૂઠું જ બોલે છે એમ સમજીને, પૂછ્યે જવો; ને તેમાં જો એ ઇસમ આરપાર નીકળી જાય, જો એ ત્રાડોની સામે વગર થોથરાયે ટક્કર