પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બબલો
79
 

રદબાતલ કરાવીને પછી એ હરીફ કનેથી પાણીને મૂલે કારખાનાં ખરીદી લીધાં. પછી તમામ કારખાનાં એકહથ્થુ કરીને મોટા પગારો ચૂકવવાથી કંટાળ્યા, એટલે ‘યુનિયન’વાળા આગેવાનોને ફોડીને પોતાને ત્યાં જ હડતાલો પડાવી. પછી થોડાકને હાથ કરી હડતાલોમાં ભંગાણ પડાવ્યું. ને સાચકલો હડતાલિયાઓના ટોળા ઉપર પોલીસની બંદૂકો છોડી મુકાવી. એમ હડતાલોને અને ‘યુનિયનો’ને સાફ કરી નાખી, પછી કાચનાં કારખાનાંની જબ્બર કંપની કરી. ને છેલ્લે એ તમામ કારખાનાંની કિંમત કરતાં પાંચગણી રકમના શૅરોનાં ચીંથરાં છપાવીને તારા જેવા હૈયાફૂટાને પાંચ-પાંચ દસ-દસ પકડાવી દીધાં.

“આ એમ એણે જાદુના ખેલ કરી લાખોની થાપણ જમાવી; એ એની લાયકી, એની શક્તિ, ને એ એની આગેવાની. આ તું જોઈ આવ્યો તે મહેલાતો ને બાગબગીચાની ઇંદ્રાપુરી એ લાયકીના નમૂના છે. હવે એ ગુજરી ગયો એટલે વંઠેલ દિત્તુ શેઠ એ તમામનો માલિક બન્યો. જેણે કદી જનમ ધરીને એક તણખલું તોડ્યું નથી, જેને કોઈ પંદર રૂપિયાને મહિને કારકુની કરવાય ન રાખે, તે બન્યો કરોડપતિ. એવા નસીબદારના ચરણો નીચે તારા જેવા હૈયાફૂટાએ પોતાના શરીરની પથારી કરી જીવતર ધન્ય માન્યું. આ તારી આખી વાતનું રહસ્ય.”

શામળ સ્તબ્ધ બનીને પોતાના અજ્ઞાનની – પોતાની બેવકૂફીની – ઘોર અંધારી ખાઈમાં તાકી રહ્યો હતો.

બબલાભાઈએ છેલ્લો પડદો ઊંચક્યો : “હવે એ ભાઈસાહેબની પાસે લક્ષ્મી છે, એટલે એને સતાવનાર તારા-મારા સરીખાની ખબર લઈ લેનાર આ ખૂંટડાઓનું ટોળું પણ છે. એ આખલાઓને પોતે વરસોવરસા ખૂબ ચારો નીરે છે. નીકર આ પેલી ‘રાંડ’નું મોત છુપાવવા તને ને મને એ આખલા કદી છોડે કે ? – ખેર. પછી એ પોતાના નામનાં બાવલાં ને તકતીઓ બેસારી મોટી કૉલેજો કાઢે છે. ને ચંદ્રશેખર જેવા બબૂચકોને ભાડે રાખી ખુરસીએ બેસારે છે, એ શા સાટુ ? તારા જેવા હૈયાફૂટા જુવાનિયાઓને ‘લાયકી- નાલાયકી’ની વાતના ગોટાળામાં ચડાવી ‘ચડ