પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બબલો
81
 

મીઠાશથી ખાતો ગયો, ને શામળ જોતો રહ્યો.

“પણ મારે હવે શું કરવું ?” શામળે ઉદ્દગાર કાઢ્યો.

“બીજું શું ? મારી સાથે ચાલ, બચ્ચા ! મારા કસબ શીખવું. પછી તારે કોઈના બાપની સાડીબાર નહીં, કોઈની તાબેદારી જ ઉઠાવવાની ન રહે, ને તું પૂરો કાબેલ ન બની જાય ત્યાં સુધી મારામાં તારો ચોથ ભાગ.”

“શું હું ચોરી શીખું !” ભયભીત બનીને શામળે પૂછ્યું.

“બેશક. બીજું તું શું કરવાનો હતો ?”

“એ તો કોણ જાણે !”

“પૈસા છે તારી પાસે ?”

“થોડાંક જ દોઢિયાં છે. મને મારો ચડત પગાર તો મળ્યો નથી હજુ.”

“ઓહો ! એ તો તું દિત્તુ શેઠ પાસે લેવા જવાનો, ખરું ?”

“નહીં, હવે કદી ન જાઉં.”

“તો પછી ફરી વાર પાછો ધંધો શોધવા નીકળવાનો, ને છેવટે પેલી કુરબાનીને રસ્તે ચડવાનો, ખરું ?”

“રહો, રહો. મને વિચાર કરી જોવા દો.”

“વિચાર છોડી દે, ભાઈ; કહું છું કે આજ રાતે જ ચાલ, મારો કસબ માંડી દઈએ. પેલા ખૂંટડાઓ તને કે મને કશું નથી કરી શકવાના. કેમ કે એને તો દિત્તુ શેઠનું પાપ ઢાંકી રાખવાનું છે. માટે આવો લાગ શા સારુ જવા દે છે, યાર ?”

“પણ ચોરી તો મહાપાપ છે.” શામળ ગોખવા લાગ્યો.

“નસીબ તારાં !” કહીને બબલાએ રોટીનો દાબડો ને અથાણાની શીશી પેટીમાં મૂક્યાં. “આજની રાત ભૂખ્યે પેટે સૂઈ રહે, એટલે સવારે અક્કલ આવશે તને.”

“નહીં, ભૂખ્યો રહેવાથી હું નહીં બદલાઉં.”

“તો રૂડી વાત. પણ હું તને ખાવાનું નથી દેવાનો. દઉં તો દાન