લખાણ પર જાઓ

પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બબલો
83
 

રહી. ખરું?

ખરું. બીજી વાત સીધી ને સટ છે. જો આ દુષ્ટ લોકોને હાથે તમામ સારાં સ્ત્રીપુરુષો ભૂખમરો ભોગવીને ખતમ થઈ જશે, તો દુનિયામાં બાકી રહેશે એકલા દુષ્ટો. એ પણ ઠીક નહીં.

આવા આવા વિચારદોર પર શામળનું મન ખેંચાતું ગયું. વળી દિત્તુ શેઠનાં છેલ્લાં ટોણાં હજુ એના કાનમાં ઝણેણી રહ્યાં હતાં. શામળના અંતરાત્મામાં સ્પષ્ટ ધ્વનિ ઊઠ્યો : “એ દિત્તુ શેઠને ખાતર મારે શા સારુ આ દુનિયામાંથી ખસી જવું ? શા સારુ ?”

સવાર ગયું. બપોરની જમવા વેળા પણ થઈ. રાતે વાળની વેળા થઈ. બબલા- દાદાએ ફરી વાર પોતાની માશૂકની રાંધેલી રોટીનું તથા રાઈતાં ગાજરનું ભાતોડિયું ઉઘાડ્યું. અંદરથી ભભક છૂટી. બબલાએ પૂછ્યું : “કાં ! આવોને ! અજમાવી જુઓ ને એક વાર આનો સ્વાદ !”

“ચાલો, ચાખું આજ તો.” કહીને શામળ હાથ ધોયા, બેસીને ત્રાપડ દેવા લાગ્યો.

જમતાં જમતાં વચ્ચે એક વાર એ થંભ્યો, હાથમાં રાઈતાં ગાજરની ચીર હતી; એને કોઈક અંદરથી પૂછતું હતું : “શામળ ! તેં તો ચોર બનવાના કોલ આપ્યા.”

બબલાની આંખ આ નવા ચેલકા ઉપર જ ચોંટી હતી. ભાઈબંધ ક્યાંક પાછા ચલિત ન થઈ જાય તે એ તપાસી રહ્યો હતો. એણે પૂછ્યું : “કાં ફરી નથી જવું ને ?”

“નહીં,” શામળે જવાબ દીધો, “હવે મારે ફરવાનું નથી. હું તો વિચારું છું કે આ પણ એક ભારી અચરજનો મામલો જામ્યો. નહીં ?”