“આવ ત્યારે, દોસ્ત, હવે ધંધે વળગીએ.” એમ કહીને બબલાએ એક સળગેલ દીવાસળી લીધી. જમીન ઉપર લીટીઓ દોરવા લાગ્યો. શામળ નજીક જઈ બેઠો. બબલો સમજાવવા લાગ્યો :
“જો, આપણે ફાડવાનું છે તે આ ઘર. આ મોટો રસ્તો. આ ખૂણો, ખૂણા ઉપર એ મકાન છે. આ ગલી છે. આ બાજુનું બારણું છે. મને લાગે છે કે એ હું ઉઘાડી શકીશ. અહીં આગળ ને પાછળ એક એક બારણું છે. મનમાં બરાબર ગોઠવી રાખજે, હો કે ?”
“ગોઠવાઈ ગયું.” શામળે જવાબ દીધો. એના ચિત્તની એકાગ્રતા ને દિલની સચ્ચાઈ તે દિવસે જેટલી પ્રો. ચંદ્રશેખરના તત્ત્વદર્શનમાં પરોવાઈ હતી, તેટલી જ અત્યારે રાતના દસ વાગ્યે લક્ષ્મીનગરના મવાલીઓના દાદા બબલાના નકશા ઉપર ચોંટી પડી હતી.
બબલાએ આગળ ચલાવ્યું : “હવે તારે આંહીંથી અંદર જવું. આંહીં સીડી છે. મારે બીજા માળ ઉપર જઈ રૂપાનાં વાસણો ઉઠાવવાનાં છે. તારે નીચે રહી લાઈબ્રેરીવાળા ઓરડાની બાજુના એક બારણા ઉપર જાપ્તો રાખવાનો છે. એ બારણાની પછવાડેના ખંડમાં કોઈ સૂએ છે. જો કશો જ સંચળ ત્યાં થાય તો તારે એકદમ ઉપર આવીને મને સીટી મારી ખબર દેવાના છે. હું આવીશ. આપણે બેઉ આ પછવાડેની નોકરોને ચડવાની નિસરણીથી નીચે ઊતરી જઈશું; ને એથી ઊલટું જો તું મારી સીટી સાંભળ તો તારે નીચેના આગલા બારણેથી જ રફૂચકર થઈ જવાનું છે. કશો જ દેકારો થાય તો બન્નેએ પોતપોતાનો બચાવ કરી લેવાનો છે.”
“સમજ્યો.” શામળના હાથની આંગળીઓ ધ્રૂજતી હતી, પણ ભાઈબંધ ભાળી ન જાય તે સારુ એણે બન્ને હાથ મસળવા માંડ્યા.
બબલાએ પોતાનાં ઓજારો તપાસ્યાં, પછી એક કબાટના