ખાનામાંથી રિવૉલ્વર કાઢીને ગજવામાં મૂકી. શામળને એણે કહ્યું : “શું કરું, યાર ! એ ખૂંટડાઓએ મારી એક ફાંકડી રિવૉલ્વર રાખી લીધી. નીકર તને હું એક આપત.”
“મારે – મારે એ ન જોઈએ.” શામળ ભય પામીને બોલી ઊઠ્યો.
“અરે મારા બાપ !” બબલાએ હસીને કહ્યું, “તું જો તો ખરો, એ પણ તું શીખવાનો. ને જો, હવે છેલ્લી વાત. આપણે ક્યાંય સપડાઈ જઈએ, તો બેમાંથી કોઈએ બીજાનું નામ કે બાતમી દેવાનાં નથી – કાપી નાખે તોપણ નહીં, છે કબૂલ ?”
“કબૂલ.”
“તો દે કોલ” બબલાએ હાથ ધર્યો.
“આ કોલ.” શામળે તાળી દીધી.
“જોજે હો, મરદના કોલ છે.” કોઈ ગહન ધાર્મિક ગાંભીર્ય બબલાના ચહેરા પર છવાઈ ગયું.
“મરદના કોલ !” શામળે એવી જ ગંભીરતા દાખવી. થોડી વાર પછી શામળે પૂછ્યું: “બબલાભાઈ, તમે એ ઘરની આટલી બધી વિગત શી રીતે હાથ કરી ?”
“બાપા ! હું આ શે’રમાં આંખે પાટા બાંધીને નથી રહેતો. ઉઘાડી આંખે કણેકણ જોયા કરું છું. ને અગાઉ બે મહિના મિસ્ત્રીને ત્યાં નોકરી કરેલી ત્યાંથી નકશા દોરતાંયે શીખી લીધું છે.”
“પણ તમને પોલીસ પકડતી નથી ?”
“શી રીતે પકડે ? કસબ કરીને ગામબહાર જતો રહું. પાછો વેશપલટો કરીને આવું. એક વાર દાઢી ઉગાડીને દા’ડે કાચના કારખાનામાં કામ કરતો, ને રાતે આ કસબ કરતો. એક વાર બાયડી બનીને રહ્યો’તો.”
“બાયડી બનીને ?”
“હા, ભાઈ, હા !” હસીને બબલાભાઈએ કહ્યું, “જગતમાં જીવવાની લાયકી બતાવવી હોયને, તો તેના બધા રસ્તા છે.”