ભૂંડું ? આ તો કાળના મુખમાં ઊભીને થરથરવું, લોહીના કણેકણમાં થીજી જવું – આ જીવન ! બેશક અંતરાત્માના સત્યને ખાતર હું જીવનમાં ચાહે તે જોખમને બરદાસ્ત કરી લઉં. પણ આ – આ તો બૂરું કૃત્ય. આને ખાતર જાનફેશાની કરવાનો ઉલ્લાસ ક્યાંથી આવે ?
શું થયું હશે ? બબલો કેમ રોકાઈ ગયો ? મને ફસાવીને રવાના તો નહીં થઈ ગયો હોય ને ?
ફરી વાર સીડી પર કિચૂડાટ બોલ્યા. બબલો આવતો હશે ? કે બીજું કોઈ હશે ? દેહનું દરેક રૂંવાડું ખડું થઈને રાહ જોઈ રહ્યું. અવાજ નજીક ને નજીક આવતા ગયા. જાણે કોઈ દૈત્ય એ અંધકારમાં એની આસપાસ ભુજપાશ ભીંસતો, ડગલાં દેતો ચાલ્યો આવે છે.
બાજુના ખંડમાં અવાજ થયો. બબલો કેમ બોલતો નથી ? એને શું થઈ ગયું ? કેમ એ –
ત્યાં તો એકાએક એક દીવો ઝળહળ્યો. અજવાળું ઝળાંઝળાં થઈ રહ્યું. શામળ હેબતાઈને પાછો હટ્યો. એની સામે કોઈ માનવી ઊભું હતું. એ પકડાઈ ગયો.
એક મિનિટમાં તો એ ભયથી સો વાર મૃત્યુ પામ્યો હશે. પછી એને ભાન થયું કે સામે ઊભેલ માનવી એક નાની છોકરી હતી.
આ બન્ને એકબીજા સામે તાકી રહ્યાં. દસ જ વર્ષની એ કન્યા હતી. ઝૂલતા એના વાળ હતા. એનો હાથ વીજળીબત્તીની ચાંપ ઉપર હતો.
થોડી વારની ચુપકીદી પછી કન્યા બોલી : “તમે ચોરભાઈ છો ?”
શામળ શબ્દોચ્ચાર ન કરી શક્યો. એણે ફક્ત હકારમાં માથું ધુણાવ્યું.
કન્યાએ કહ્યું : “વાહ વાહ ! તો તો હું બહુ જ રાજી થાઉં છું. સાચે જ હું ચોરભાઈને મળવા ઝંખતી હતી. પણ મને આશા નહોતી રહી.”
“કેમ ?” શામળના મોંમાંથી માંડ આટલો શ્વાસ નીકળ્યો.
“બાએ મને તે દા’ડે વાર્તા કહી હતી. વાર્તામાં એક છોકરીને