પૃષ્ઠ:Savita-Sundari.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯

કોઈ કંઈ બોલતું નહોતું. આવો રાહઘાટ જોઈને સવીતાએ પોતાના બનેવીને કહ્યું કે, “હવે હું તો જાઉ છું.”

તેના બનેવીએ કહ્યું, “હાં, ઠીક, વખત પણ ઘણો થઇ ગયો છે, જાઓ, ભાઈ." આ વાત સાંભળી સવીતા ઉભો થયો; પણ તેટલામાં તેના બનેવીને કોઇ વાતનું સ્મરણ અકસ્માત થઈ આવ્યું હોય તેમ મોઢું કરીને તે બોલ્યોઃ

“ભાઈ સવીતાશંકર, અરે તને એક વાત કહેવાની રહી ગઇ છે તે સાંભળતો જા.”

બનેવીનું આ બેાલવું સાંભળી, સવીતાનું હૃદય વૃક્ષસ્થળમાં એવું તો ઉછળવા લાગ્યું કે તેને એમ શંકા થઇ કે કદાચ તેનો બનેવી તેના ધપકારા સાંભળશે. પછી સવીતા જ્યાં ઉભેા હતેા ત્યાંજ બેસી ગયો ને બોલ્યો, “બોલો, શું કહો છો ?"

બનેવી બોલ્યો, “ભાઈ, તારો વિવાહ સુંદરી સાથે થવાનો હતો તેમાં વિઘ્ન આવ્યું છે, ને તેથી ધારૂં છું કે આ વિવાહ થાય તેમ નથી.”

સવીતાએ પુછ્યું, “એ તમને કોણે કહ્યું ?”