પૃષ્ઠ:Savita-Sundari.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૮

એટલે તેજ દિવસે સંઝ્યા સમયે તેણે વિગ્રહાનંદને કહ્યું: “પણ્ડીતજી, તમારા મનની વાત સાફ કહી દો તો ઘણું સારૂ. હું ઘેરથી મારી બેહેનોને લઈને પરણવા કરવા આવ્યો છું, તેથી પરણ્યા વિના જાઊં તો લોકમાં મારી પૂરી હાંસી થાય; ને મારા કુળનું કાળું થાય, મને લગ્ન કરવાની ઘણી જરૂર છે. મારા ઘડપણનો કોઇપણ સાથી મને જોઇએ. જો કે મેં પ્રથમ તો તમોને કહ્યું હતું કે લગ્ન કર્યા પછી હું કન્યાને મારે ઘેર લઇ જઇશ નહીં; પણ હવે વિચાર કરતાં મને જણાય છે કે મારાથી મારા કુળ પ્રમાણે તેમ થાય નહીં. હું તો મારી વહુને મારે ઘેરજ તેડી જઇશ.”

વિઘ્નસંતોષીરામે ધાર્યું કે પહેલા કન્યાને મારે ઘેર તેડી જવાને વિચાર નહોતો, પણ આ નવા સમાચાર જાણીને ગુણવંતગવરી સાસુ ખુશી થશે, ને તેના મનમાં કંઈ અડચણ હશે તો તે સહજ નીકળી જશે. અને વિગ્રહાનંદ પણ લગ્ન કરવાને ઘણું દબાણ કરશે.