પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૪
શિવાજીની સુરતની લૂટ

શબ્દોથી ઉશ્કેર્યા ને છેલ્લે નવરોઝે કહ્યું: “આજનો દિવસ મરવાનો છે, જેમને ઘરબારના સુખની અભિલાષા હોય, જેમને પોતાનો પાપી પ્રાણ પ્યારો હોય તે આ પ્રતાપી કર્મથી દૂર જાઓ ! અમે પાંચ હઈશું તો બસ છે. દેશ રક્ષણ માટે મરવું એમાં શું છે ? પોતાનાં બાળકોને પીડામાંથી બચાવવાં એમાં મોટાઈ નથી કે ? પણ જે પાછા જવા તૈયાર થાય તેમણે યાદ રાખવું કે, જેઓ આજે સમરાંગણમાં જશે તેઓ કીર્તિ મેળવી મરશે, ને કાયરોને કાલે સવારના ઘરને ખૂણે શિવાજી રીબાવી રીબાવીને મારશે. જો આપણને જીત મળી તો - અને તમારે યાદ રાખવું કે આપણી બાજુએ હિંદુઓનો કાર્તિકસ્વામી ને મુસલમાનોને મહમદ બે વીર યોદ્ધાઓ છે, તે જય અપાવશે જ - લૂટાયલો ખજાનો પણ પાછો હાથ આવશે. ખૂણે રીબાઈને મરવું છે કે કીર્તિ મેળવી નામના કરી મરવું છે ?”

“કીર્તિ મેળવી નામના કરીને મરવું છે !” એક સ્વરે છસેં યોદ્ધાએ ગર્જના કીધી, અને આ ગર્જનાનો અવાજ મરાઠાની છાવણીમાં સંભળાયો, તેમ જ નવાબના મહેલમાંનો ખોજો પણ ઝબકી ઉઠ્યો.

મરાઠી સરદાર બહિરોજીએ ચેતી જઈને ડંકો કીધો અને નગારખાનાને ઘણા જોરથી ઠોક્યું- નવાબના મહેલમાંથી ત્રણસેં સ્વાર એકદમ મેદાન ભણી દોડી આવ્યા. તેમને મોતીની કહેલી ભવિષ્યવાણી સત્ય લાગવાનો ભાસ થયો કે મરાઠાઓ આવ્યા ને મસરૂર અગાડી આવી ઉભો.

“નગારખાનાનો અવાજ મરાઠાનો છે !” મસરૂરે પોતાના માણસોને કહ્યું: “પણ સાવધતા પકડી આપણે આપણું તપાસવું છે, એકદમ ખસતા નહિ, બીજા સાથીને બોલાવવા નગારું ઠોકો.” અને તુરત મુસલમાની ડંકો પીટાયો.

નવરોઝ આથી ઘણો ગભરાયો, પણ આગળ આવી બોલ્યો: “આ નગારાનો અવાજ તો મોગલાઈ છે. બેગમ સાહેબ, તમે આ સૌને સાચવો છો ? હું તપાસ કરી આવું ?”