પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૫
પ્યારની વૃદ્ધિ


“બેલાશક, મારી શક્તિ પ્રમાણે તપાસ રાખીશ.” મોતીએ ઉત્તર દીધો. નવરોઝે ઘોડાને, રેન પકડી દોડાવ્યો ને મહેલ લગણ ગયો, મોતી ને સુરલાલ સર્વ રીતે ચાલાકી બતાવી સઘળા શહેરી લશ્કરને હરોલમાં મૂકી બે વખત આસપાસ ફરી વળ્યાં.

એક બે ક્ષણમાં નવરોઝ પાછો ફર્યો ને જેમના જીવ ઉંચે તાળવે લટક્યા હતા, તેમને ધીરજ આપી.

“તે આપણા મદદગાર છે !” શ્વાસ મૂક્યા વગર નવરોઝે કહ્યું, “ભય ન રાખો ! તે નવાબના સ્વાર આપણને મદદ કરવા તૈયાર છે, ચાલો આપણામાં સારી ભરતી થઈ.”

જેમ જેમ લશ્કર ચાલે, તેમ તેમ મોતીનું હૈયું તે ધપધ૫ ધબકાર લેવા લાગ્યું. તેનો પગ ઘોડાના પાવડામાંથી ખસી ખસી જવા માંડ્યો. રેન પણ ખેંચી શકાય નહિ ને આગળ વધવાની હિંમત પણ રહી નહિ. મણી વળી તેનાથી વિશેષ ભયથી ધ્રૂજવા માંડી, તે તો બે વખત ધેડાપરથી પડતાં પડતાં બચી ગઈ, ને એકવાર તો હાથમાંથી લગામ પણ છૂટી ગઈ.

મરાઠાની સામા થવાને બસો આરબ ચુનંદા સ્વાર નવાબના મહેલમાંથી ખોજા મસરૂરની સરદારી નીચે નીકળી આવ્યા; અને એક ક્ષણમાં દરવાજાની બહાર આવીને લશ્કરે મરાઠાઓને ચેતવણી આપવા “હર ! હર !” ને “અલ્લા અકબર”ની બૂમ મારી.

દક્ષિણ અને પૂર્વ બાજુએ મરાઠાનું લશ્કર પડ્યું હતું, રાત્રિના ટાઢ પડી હતી, તેમાં અડધા માણસો અકડાઈ ગયા હતા. મરાઠા સરદારે ભય નજીક જાણીને ડંકો પીટ્યો; મરાઠા સિપાહો કાવરા બાવરા ઉઠ્યા. બે દિવસ લૂટ કીધી હતી તેમાં તો સધળા થાકી ગયા હતા. તેમના મનમાં નિરાંત હતી કે નવાબ પાસે લશ્કર નથી, ને તેનામાં કંઈ દમ બળ્યો નથી, તો તે ક્યાંથી અગાડી પડી લઢવા આવવાનો હતો; તેથી જ્યારે મરાઠાનો ડંકો પીટાયો ત્યારે સૌ મરાઠા સિપાહોએ જાણ્યું કે, લૂટપર જવા માટે ઊઠવાની ચેતવણી હશે, પણ ધાડનો તો તેમને ખ્યાલ જ આવ્યો નહિ.