પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૭
દુમાલનું મેદાન

પહોંચી, મરાઠો સિપાહ બંદુક લઈને ઉભો હતો, તેની નજીકમાં જતાં તે બૂમ મારી ઉઠ્યો: “કોણ આવ્યું છે ?”

“માશાઅલ્લા આદમકે બચ્ચે;” પેલા સરદારે કહ્યું, એટલામાં જાણે ઘેરી લેતા હોય તેવા વેશમાં સૌ મરાઠા ભેગા થઈ ગયા. તે આ નવા મુસલમાન જવાન સરદાર તથા એક ઘોડેસ્વાર સ્ત્રી, જેનું મુખ બુર્કાથી ઢંકાયલું હોવાથી તેઓ જોઈ શક્યા નહિ તેનું સામૈયું જોઈને એમ જ માન્યું કે કંઈ સલાહ માટે આવતા હશે, તેથી આસપાસ ફરી વળ્યા.

“વાહ ! કેવો સરસ ઘોડેસ્વાર છે ?” કંથાજી ભેાસલેએ કહ્યું; “એનો ભપકો તો ભારી છે.”

રમા આ વખત કાંઈ બોલવા જતી હતી, પણ તે શું થાય છે તે જોવાને ઇંતેજાર હતી તેથી અબોલી રહી ને તેથી નવા મુસલમાન સરદારને ઘણું જાણવાનું બન્યું.

“તમે કંઈ સંદેશા લાવ્યા છો ? તમે જાસુસનું કામ કરનાર છો કે કોઈ સરદાર છો ? તમારો નવાબ આજે અમારી સાથે લડાઈ ચલાવવા માગે છે કે સલાહ કરવા ? જો આવા કોઈ સંદેશા માટે આવ્યા હો તો તેમને શિવાજી ઘણી સારી રીતે માન આપશે.” અગાડી આવેલા હરપ્રસાદ નાગર સરદારે મુસલમાન સરદારને પોતાની નજીકમાં આવેલો જોઈ પૂછ્યું.

“હમ કુછ હમારે નવાબકે હુકમસે તુમ્હારે લુંટેરે સરદારકો મિલ્નેકે લિયે નહીં આયે હય. આપકી કોઈ કીમતી ચીજ કલસે હમારે શહરમેં ગુમ હો ગઈથી ઔર વો ચીજ તુમ્હારે મરહટ્ટે કુત્તોંકે બહોત ખેાજનેપરભી હાથ ન આઈ. વો અમાનત તુમ્હારે સરદારકો દેનેકે લિયે હમારી તશરીફયાવરી હુઈ હય. હમે તુમ્હારે સરદારકે પાસ લે જાઓ; ક્યોં કે, વો ચીજ ઉન્હેંહી રૂબરૂ દેનેકા હમારે આલી નવ્વાબકા ખાસ ફરમાન હય.”