પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૯
દુમાલનું મેદાન

નહિ. બે ઘેડેસ્વાર કે જેમનામાં મરાઠી લોહી, પૂરતા જોસમાં દોડતું હતું તેઓ પોતાના ઘોડા દોડાવી, છલંગ મારતા અગાડી આ ચાર સામા પક્ષના યોદ્ધાની સમક્ષ આવીને ગર્જના કરતા બોલ્યા:-

“કોણ પહેલવાન અગાડી છે કે આ સુવરને મારવામાં સામેલ થાય ? જય મહાદેવજીકી ! હર ! હર ! મહાદેવ ! માતા ભવાનીનો જય !” એમ બોલી તેમણે તરવાર ઉંચકી.

આવા ભયની આશા નવા સરદારે રાખી હતી, પણ આટલી જલદી નહિ, પરંતુ સમય જોઈ, જેમ સિંહ ઘુરકે તેમ તે ઘુરક્યો, ને પોતાનો સંદેશો લાવેલો પોતાને ઠેકાણે રહી ગયો. મનમાં જે ધારેલું હતું તે પણ અમલમાં આવે તેમ જણાયું નહિ. તે પોતાની લગામ ખેંચી પકડી ઘોડાને, જે એક ઘણો સરસમાં સરસ આરબી ઘોડો હતો, ને જે પોતાના સ્વારની સઘળી ઈચ્છા પ્રમાણે વર્તી શકે તેવો હતો, તેને પાછા હટવાનો હુકમ કીધો ને પોતાના બે સાથીની સાથે જોડાયો. પછી તેણે પ્રત્યુત્તર દીધો -

“સુવ્વરકે બચ્ચે, ખુદા ઔર મહમ્મદકે નામકે ખાતિર અભીકા અભી તુઝે આબાદ શયતાનકે દરવાજે તક પહુંચાઉંગા, ચલા તેરી સમશીર !”

બે મરાઠા કંઈ પણ ડગ્યા વગર સ્થિર રહ્યા ને જવાનનાં તોર, જોર ને સીનો જોઈ સૌ ખડખડ હસી પડ્યા. “આટલી ત્વરાની શી જરૂર !” મુસલમાન સરદાર સામે તાકીને જોઈને તે દક્ષિણીઓ, જેમાં તાનાજી માલુસરે પણ એક હતો તેણે કહ્યું, ને પોતાનો ઘોડો આગળ વધતો હતો તેને અટકાવીને ફરી બોલ્યો: “બેશક, જનાબ, આપ બડે અમીર સીનેદાર સરદાર હોંગે. લેકિન ઇસ વક્ત તુમ એક સિપાહી હો, ઔર મયં એક સરદાર હું, ઈસ લિયે એક સરદારકો સિપાહી બચ્ચે કે સાથ લડના લાજિમ નહીં હય. કોઈ મુગલ સરદાર મેરે સામને આ જાતા, તે મયં અપની શમશીરકા ઉસે બરાબર મજા ચખાતા - જીતેહીજી બાગે રિજવાં દિખાતા.”