પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૮
શિવાજીની સુરતની લૂટ

જાદોરાવે સમય સાધ્યો. તેણે જાણ્યું કે આ જેવો તેવો નર નથી, કોઈ માઈનો પૂત છે ! અને આ નકામા ટંટામાં વખત જવાથી એ સરદારનો ખરો ભેદ શું છે તે માલુમ પડતો અટકી પડશે; અથવા તેણે એમ પણ ધાર્યું કે કોઈ પ્રપંચી માણસ હશે તે દાવપેચથી આ ટંટામાં નાંખવા આવ્યો છે, ને તેનો લાભ લઈ શહેરમાંનું લશ્કર ટૂટી પડશે તો ઘાણ બગડી જશે; માટે પોતામાં જે વિનય હતો તેનો લાભ લીધો.

“દરીયા-એ-હાફેઝ, તલવાર મ્યાન કરો, ઔર કુછભી કહના હો વો મહારાજકે રૂબરૂ આકર કહો !” જાદોજીએ નમ્ર વેણે પહેલવાનને શાંત કીધો. જોકે જાદોજી કંઈ ઉતરતી શક્તિનો નહેાતો; તે આપણા પહેલવાનને બર જાય તેવો હતો.

કોઈ પણ ટંટાનો નિવેડો આણવાને આવા જ માણસોની ઘણી જરૂર છે. એને સમજાવી પટાવીને કામ કાઢી લેવામાં ઘણી શાંતતા, ઘણી ધીરજ, ને સમયસૂચકતા સાથે ધીટતા ને નિડરતા પણ જોઈયે. કામ કાઢી લેનાર માણસે પ્રથમ સામા પક્ષનો ભેદ જાણવો અને પછી કંઈ પણ જવાબ દેવો. તે વગર પોતે પોતાનું પણ બગાડે ને પારકાનું, પણ બગાડે છે. દફેદાર, મોટી વાત કરનારો હતો, પણ લડવામાં કંઈ નહોતો, તેથી જો આ વખતે જાદોજી આવ્યો ન હોત તો તેના રામ રમી જ ગયા હતા, અને તે કલહમાં પડત તો તેનું પરિણામ શું આવત તે કહી શકાય નહિ. કદાપિ પ્રજારક્ષક સૈન્યના ઉપરી દાવ સાધીને ટૂટી પડત કે મરાઠા શૂરભેર દોડ્યા આવીને શહેરનો નાશ કરત! આ તુરતના આવતા નાશને જાદોજીએ અટકાવ્યો ને મોટો વિનય વાપરી પહેલવાનને શાંત કીધો.

“હજરત, આપકી મુલાકાતસે મહારાજ બહોત ખુશ હોંગે આપકી આમદ મુબારક હોં ! યે દફેદાર આપકે સામને ખડા રહેનેકે ભી લાયક નહીં, ઔર ઇસપર તલવાર ચલાના નારવા હય. શેર કભી ભેડિયેકા મુકાબલા કરને પર આમાદા નહીં હોતા.”