પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૩
શત્રુની છાવણીમાં શત્રુથી બચાવ


આટલું બોલતાં સાથ તે છેલ્લું વાકય પૂરું કર્યા વગર એકદમ અટકી પડ્યો ને રમા ચમકીને ઉભી જ થઈ રહી. તેનાથી જરા પણ બોલાયું નહિ ને તે અમીરની સામે ટગર ટગર જોવા લાગી. ન ધારેલો ખુલાસો એકદમ થઈ જવા જેવો વખત પાસે આવ્યો, ને પોતાને હાથે જ પોતાનો ઘાણ બગાડ્યો હતો, એમ માની અમીર સાહેબ પણ દિગ્મૂઢ થઈ ગયા. પણ પેલી મોહિનીનો વિચાર કોઈ પણ રીતે ઈજા કરવાનો નહોતો. તે તો પોતાના બચાવનારને બચાવવા ઘણી આતુર હતી, પણ જે જવાન માટે મરાઠાની છાવણીમાંથી ઘણીક ખોટી ખોટી વાતો સાંભળી હતી તે જુવાન આટલો બધો સીનેબાજ છે, અને આટલી બધી હિંમત ધરાવે છે, એનાથી તે એટલી બધી તો મૃદુ બની ગઈ કે, આ જવાનને પોતાનો પ્રાણપ્રિય ગણવા લાગી. તે હવે તેને બીજી જ રીતે જોવા લાગી અને જેમ બને તેમ તેનું રક્ષણ કરવું, એ જ મુખ્ય ઠરાવ કરી બેઠી.

જે અમીરની આપણે વાર્તા કરીએ છીએ તે બીજો કોઈ જ નહિ પણ સુરતનો નવાબ ગ્યાસુદ્દીન રૂમી છે. વલંદાની કોઠી તરફ એ ગયો ત્યાંથી આપણે એને છૂટો મૂકી ગયા હતા; તેથી ટુંકમાં એટલું જ કહેવાનું છે કે ખબર મેળવતાં તે દોટ મૂકતો જ્યાં લશ્કર આવી પહોંચ્યું હતું ત્યાં આવી પહોંચ્યો. રમા જ્યારે ત્યાં આવી પહોંચી ત્યારે તેણે મનમાં નક્કી કીધું કે એ નિમિત્તથી મરાઠાનું લશ્કરી બળ કેટલું છે તે જાણી અવાય તો ઠીક પડે; અને તેથી જ પોતે છૂપો રહી એકદમ ઝંપલાવી પડ્યો શિવાજીની કચેરીમાં જે જે પ્રસંગો બન્યા તે આપણે જાણી ગયા છીએ. પણ ત્યાં હોંસાતાસી કીધી અને ધારેલું કામ પાર ન ઉતારતાં ઉલટું નકામું દુઃખ શિરપર હોર્યું, તેને માટે એ પોતાના મનમાં હમણાં સેહેજસાજ પસ્તાવો કરતા હતા.

જવાનીના જુસ્સા ઘણા સારા હોતા નથી.જવાન માણસો હમેશાં પોતે હોય તેના કરતાં પોતાની શક્તિ ઘણી વધારે જાણે છે, પણ જ્યારે વૃદ્ધપણાના લાંબા અનુભવથી પળિયાવાળા ડોસાઓ સો ગળણે ગાળીને પાણી પીએ છે