પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૪
શિવાજીની સુરતની લૂટ


ત્યારે જવાનીઆઓ યાહોમ કુદી પડે છે અને તેમાં જ્યારે પછડાઈને પસ્તાવામાં પડે છે ત્યારે પણ સમજતા નથી; ઘરડા ડોસાઓ અનુભવી હોવાને લીધે ઘણીક રીતે બારીક પ્રસંગો કાઢી લે છે, અને પોતાનું ધાર્યું પાર પાડે છે. તેઓ કાવાદાવા ને છળકપટથી ભરેલા હોવાને લીધે દુનિયાને સારી રીતે પિછાની શકે છે, ત્યારે જવાનીઆઓ ભોળા અંતઃકરણના, ઉછળતા લોહીના, પોતાનું કેમ બગડે છે તે કાઈ પણ પ્રકારે ન જાણ્યા વગર એકનિષ્ટ અંત:કરણથી મેદાન પડે છે; તેમાં ઘણી વેળાએ જશ કમાઈને આવે છે, ત્યારે તેઓ ઘરડાઓને શરમાવી પણ નાંખે છે. પણ આટલું ખરું કે, પ્રસંગ વિચારવો અને ધારેલું પાર પાડવું એમાં ઘરડાઓ જેવા હોશિયાર હોય છે તેવા જવાન હોતા નથી. પણ જુવાન જે કામ કરે છે તે ઘરડાથી થતું નથી. જવાનીઆ ધીટ, ધીર, વીર હોય છે, ને તેથી ગમે ત્યાં ઝંપલાવી પડે છે.

અમીર નવાબે પણ એક તરુણપેરે પગલું ભર્યું હતું અને તેથી તે હવે કંઈક વિચારમાં પણ પડી ગયો હતો. નવાબ એ જ છે એવો વિચાર થતાં રમાની મનોવૃત્તિ નવાબપર પ્રેમથી પ્રેરાઈ. તે એક સદ્ગુણી સુંદરી હતી, એટલે તેને માટે કંઈ પણ લાંછનયુક્ત બોલવું, એ ઘણું ખોટું કહેવાય.

એક પળ અને માત્ર તે એક જ કીમતી પળ બંને જણ અબોલ રહ્યાં; પણ પછી રમાએ જ પહેલ કીધી.

“નવાબ સાહેબ ! આપે કંઈપણ ગભરાવું નહિ. મેં તમારો ભેદ જાણ્યો, ને હું તમારે ખાતર નહિ, પણ મારે પોતાને ખાતર તમારો પ્રાણ બચાવીશ. જ્યારે તમે મારા માટે આટલું જોખમ ખેંચ્યું છે ત્યારે મારો ધર્મ છે કે તમારું રક્ષણ કરવું; અને ખાત્રીથી માનજો કે જે ગુપ્ત ભેદ તમે મને કહ્યો છે તેથી જરા પણ ખિન્ન થયા વગર બેધડક તમે લડાઈના મેદાનમાં ઝંપલાવો. ત્યાં તમને જ ઈશ્વરી યારી આપશે. હું શિવાજીની ઘણી જ પ્રિયમાં પ્રિય નાયિકા છું. એ મને