પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૧૩૮

પ્રકરણ ૧૬ મું
લશ્કરની હાલત

તે જ દિવસે, કે જ્યારે મરાઠાની છાવણીમાં આ ગડબડ ચાલતી હતી, અને સુરતનો નવાબ ઘણી હિમત બતાવતાં ફસી પડ્યો હતો, ત્યારે હરપ્રસાદપર શિવાજી કોપ્યો હતો, અને તેને પોતા સમીપ બોલાવી, હવેની કેમ વ્યવસ્થા કરવી તે માટે ધણા જોરથી પૂછ્યું હતું. આગલે દિવસે અનાજની મોટી ખૂટ પડવાથી ઘણાં માણસો ભૂખ્યાં રહ્યાં હતાં, અને આજે શત્રુસામા લડવા જવાનું હોવાથી, અનાજ ન હોવાને લીધે હવે પછી કેમ કરવું, એ વિષે ઘણી ચિન્તાતુર હાલતે મહારાજ બેઠા હતા.

આપણે અગાડી જોઈ ગયા છીએ કે, સઘળું લશકર એવી જગા પર હતું કે સામસામાં થતાં બેમાંથી એકને ઘણું નુકસાન થાય. દક્ષિણી લશ્કર પૂર્વ બાજુપર હતું, કે જ્યાં ટેકરટેકરીવાળી જગ્યા હતી, અને કાંકરાખાડીમાં ભરતીનું પાણી આવે તેના શિવાય તેઓને બીજું પાણી પણ મળી શકે તેમ નહોતું. એ ખાડીમાં પાણી હોય તેના કરતાં વધારે કાદવ હતો, અને તેમાંથી પસાર થવું એ પણ ઘણું મુશ્કેલ હતું. તેમ જ એ વર્ષે પાછળથી મોટી રેલ આવવાથી ઘણા ભાગમાં પાણી ભરાઈ રહેવાથી જગ્યા ઘણી ખરાબ થઈ ગઈ હતી. જો મરાઠા નાસવા માંડે તો તેઓને ઘણી હેરાનગતી ભોગવવી પડે. જો રહેવા ઇચ્છે ને લડવા જાય તો પણ ઘણી વિપત્તિ વેઠવી પડે - જોઈએ તેવો મારો શત્રુપર ચલાવી શકે નહિ, અને અનાજ પાણીની સોઈ જરાએ મળે નહિ તેથી ઘણા બુરા હાલ સહજમાં થાય. જ્યારે કલ્યાણીથી શિવાજી આવ્યો ત્યારે લૂટની મોટી લાલચે લશ્કરને માટે જોઈતી વ્યવસ્થા રાખવાનું હરપ્રસાદે કબૂલ્યું હતું, પણ આજે જેવી સ્થિતિમાં લશ્કર છે તેવી સ્થિતિમાં જો બપોર સુધી લશ્કર રહે તો તેઓનો સઘળો જુસ્સો ભાંગી જાય અને લડવાને બદલે તેઓ નાસવાનો વધારે મનસૂબો કરે, પણ