પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રકરણ ૨ જું
ઇતિહાસ

[આ પ્રકરણનો વૃત્તાંત ઐતિહાસિક છે, અને તેનો આધાર, મિ. ડફના મરાઠાનો ઈતિહાસ, સુરતનો જુનો ઇતિહાસ, કવિ નર્મદાશંકરની સુરતની હકીકત, મેડોસ ટેલરનો તથા એલફિન્સ્ટનનો હિંદુસ્તાનને ઈતિહાસ,-તેનાપર છે.]

તા. ૭મી ડીસેમ્બરની ને ૧૬૬૩ ની સાયંકાળે એક દક્ષિણી સવાર, ઘણી ફાંકડી ઘોડી કુદાવતો અને ઝળાંઝળાં મારતો પોશાક સજી, ડાબી બાજુએ મ્યાનમાં ઘાલેલી ચળકતી તરવાર સાથે, છડે દોપટે સુરત શહેરની પૂર્વ દિશામાં આવેલા સહરાના મોરચા બહાર, દુમાલના હનુમાન છે ત્યાં આગળ આવીને, વીસામો ખાવા બેઠો. તેની ચોતરફ ફરતી આંખો, તેની ચપળતા, મોંપર આવતો ક્ષણે ક્ષણે પસીનો, તે કંઈ ગભરાટ-ભયમાં છે એમ તેની મુખમુદ્રા જોનારની ખાત્રી કરાવતું હતું. ચહેરાની આકૃતિ જણાવતી હતી કે, તે દુનિયા ખાધેલ, કોઈ પ્રપંચી પુરુષ છે. ઉમર માત્ર ૩૫-૪૦ ની હતી.

પાસે ચમચી હતી તે કહાડીને પાનની બે પટ્ટી બનાવી, પાસેની ઝુંપડીમાં બેઠેલા એક સાધુરામને આપી, પછી પોતે ખાધી; અને જોડા ઉતારીને હનુમાનનાં દર્શન વાસ્તે ગયો. હનુમાનની મૂર્તિ જોઈ તે એટલો તો પ્રસન્ન થયલો દેખાયો કે, તુરત દશ શેર તેલ ચઢાવવાની પેલા સાધુરામને વરદી આપી ને ખિસામાંથી ઝટ કહાડીને એક સુના મ્હોર બાવાજીના હાથમાં ધરી દીધી. બાવાજી ઘણા પ્રસન્ન થઈ ગયા. તેણે જાણ્યું કે, આ કોઈ બડો પરમ ભાવિક ભક્ત છે. તુરત આ દક્ષીણીને આદર સન્માન આપ્યું ને પોતાની જાયગામાં બે દિવસ ઇચ્છા હોય તો રહેવાને વિનતિ કીધી. મરાઠાને તો એ જ જોઈતું હતું. તે સુરતથી તદ્દન બીન માહિતગાર હતો, અને શહેરમાં પ્રવેશ કર્‌યા પહેલાં ક્યાં જઈને ઉતરવું, તેના વિચારમાં હતો. તેવામાં આવી ઉત્તમ તક હાથમાં આવી તે ઝડપવાને તે કેમ ચૂકે? પોતાની ઘોડીને પાસેના છાપરા નીચે બાંધી,