પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૮
શિવાજીની સુરતની લૂટ

રમાને આ અચાનક શું થયું? જે મનુષ્ય પા૫કર્મના વિચાર બાંધે છે તે મનુષ્યને વહેલો કે મોડો પોતાના કૃત્ય માટે પરિતાપ થાય છે. મનુષ્યપ્રકૃતિ વિકારી છે. તે પોતાના સ્વાર્થ માટે સૃષ્ટિમાં ગમે તેનું અહિત ઇચ્છે છે; પણ ઈશ્વર ગમે તે દ્વારે તેની શિક્ષા કરે છે જ, એ સિદ્ધ થયેલું છે. રમાએ જ્યારે નવાબપર ઉપકાર કીધો ને નવાબ તેની ખૂબસૂરતીપર મોહિત થયો, ત્યારે નવાબ સાથે લગ્ન થાય તો પોતે પૂરા વૈભવસુખને પામે, એમ વાંછના કીધી; ને થોડા સમયમાં આ મુસલમાન નવાબ સાથે લગ્ન કરવાને તત્પર થઈ. તેણે ધાર્યું કે જો નવાબની હાલની બેગમ મરણ પામે તો હું બેગમ થઈ સર્વ સુખ ભોગવું. આ વિચારથી તેણે મનમાં સંકલ્પ કીધો કે, આ યુદ્ધક્ષેત્રમાં ગમે તે દ્વારે એની સ્ત્રીનો નિકાલ થાય તો સારું. આને માટે તેણે ઘણા પાપિષ્ઠ સંકલ્પવિકલ્પના વિચારો કીધા. આ વિચાર કરતી તે નજીક આવી ત્યારે આવી સુંદર મનોહર મોહનમૂર્તિ જોઈ, પોતાના પાપ માટે અતિશય પશ્ચાત્તાપ કરતી વિચારવા લાગી કે, “ રે ! રે ! મેં મારા ક્ષણિક સુખ માટે આવી સુંદર કોમળ સુંદરીનું મરણ ઇચ્છયું ! હું તે કેવા ઘોર નરકમાં પડીશ, હર હર!” આ વિચારના વમળમાં પડવાથી તેનાથી બોલાતું, હલાતું કે ચલાતું નહોતું ને તે શરમિંદી પડી ગઈ હતી. મનની સ્વસ્થતા અને વિચારની નિશ્ચલતા ન હોવાથી આમ સાધારણપણે બને છે. દૃઢ વિચારવાળા મનુષ્ય પોતાના વિચારમાંથી પાછા પડતા નથી. પણ આ તો એક કોમલાંગી સુંદરી જ કેની, તેના વિચારનો નિશ્ચય શો ? પોતાની એક સજનીને જોઈ, તેના ચેહેરામાં જે મોહિની રહી હતી તેપર મોહિત થઈ રહી અને પસ્તાવામાં પડી એમાં ઝાઝું આશ્ચર્ય જેવું નથી. કેમકે મોતી બેગમનો સુંદર ચહેરો એવી તો આકર્ષણશક્તિ ધરાવતો હતો કે, એ જગ્યાએ મોટો ક્રૂર પ્રાણી કે રાક્ષસ હોય તો તે પણ દિગ્મૂઢ થઈ જાય. સ્ત્રીઓ પ્રેમાળ ને શરમાળ હોય છે, ને તે ગમે તેવી સબળ હોય છે તોપણ પ્રેમ પામતાં ગગળી જાય છે એટલું જ નહિ, પણ પવિત્ર પ્રેમ નિરખ્યો કે તુરત ગમે તેવું કઠિન મન હોય તે પણ નરમ માખણ જેવું થઈ જાય છે.