પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૧
રમા ને મોતીનો સમાગમ

બોલી નહિ, તે માત્ર એટલું જ બોલી કેઃ-“આજે તો મને જિંદગી અકારી લાગે છે. મારી પ્રાણપ્યારી બહેન, મેં જે તારો મહા ઘોર અપરાધ કીધો છે, તેની માફી જ્યાંસુધી તું મને નહિ આપે, ને મને ખરા પ્રેમથી હૈયા સરસી નહિ ચાંપે ત્યાં સુધી આ જિંદગી માત્ર થોડા વખતમાં મરવાને સરજાયલી છે.” પોતાને ઉભરો રમાએ કાઢ્યો.

“તારું શું છે, ને તે મારો એવો તેં શો દારુણ અપરાધ કીધો છે કે એટલી માફીની આતુરતા રાખે છે ?” મોતીએ પૂછ્યું.

“બહેન, એ ઘણી લંબાણ વીતકવાર્તા છે. એ તમને પ્રિય તો થશે નહિ, પણ તે પાપનું પશ્ચાત્તાપથી વિમોચન કરવાથી મને કરાર વળશે. હમણાં તમે નથી જોતાં કે, એ પાપને લીધે હું તદ્દન સિહાવિહા થઇ બેબાકળી બની છું તે ?”

“બેલાશક તારી વીતકવાર્તા તને અડચણ ન હોય તો કહે, ને જા હું તને પહેલાંથી માફ કરું છું !” મોતીએ ક્ષણભર વિચાર કરીને કહ્યું.

“બસ ! બસ ! હવે મને નીરાંત વળી !” એકદમ રમા જમીન પરથી ઉભી થઈ મોતીને હાથ પકડી બોલી. “હવે માત્ર જે કારણસર હું આવી છું તે જ લક્ષમાં લઈ, તમારા પ્રીતમ, જેમને મેં એકવાર મારા પ્રાણ કરતાં પણ અતિશય વહાલા ગણ્યા હતા તેમના રક્ષણ માટેના ઉપાય લેવા તયાર થાઓ. હમણાં તેઓ ખરેખર સંકટમાં પેલા સામેના મેદાનમાં દ્વંદ્વ યુદ્ધમાં ખેલવાને ઉભા છે, એ ક્ષેત્ર કાળામોંના તમારા શત્રુઓનું છે, ને તમે તૈયાર નહિ થશો તો તમારા ખાવિંદની આશા ઘણી થોડી જાણજો.”

“તમારા કહેવાનો ભાવ જાણ્યો, પણ હવે ખરેખરી સ્થિતિ શી છે તે મને જણાવશો ?” મોતીએ પૂછ્યું.

“હા.” રમાએ જવાબ દીધો.

“ગ્યાસુદ્દીન રૂમી ! તે જ તમારો પતિ ને પ્રીતમ છેની ?” ક્ષણભર થોભી રમાએ પૂછયું, “આ તેની મુદ્રિકા લો, તે તમને આપવાની છે, એ એંધાણી લક્ષમાં રાખી તમે તમારા સૈન્યને તૈયાર