પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૨
શિવાજીની સુરતની લૂટ

રાખો. ભયની નીશાની જણાતાં પૂરતા આશ્રયની જરૂર છે. જો તુરત ઉપાય નહિ લેશો તો તમારા ખાવિન્દની સ્થિતિ શી થશે, તે અનુમાનથી અત્યારે કહી શકાય તેમ નથી.”

“એટલો બધો ભય છે ? હાય! હાય!” મોતી એકદમ ગગડીને પાછી બેસી ગઈ. “ઉપાય શું કરીશું ! મારા પ્રીતમની શી અવસ્થા થશે ને તેમને આશ્રય કોણ આપશે ! ક્યાં છે મારો સુરલાલ ? તે કેમ આ વખતે સુસ્ત થયો છે ?” એમ બોલતાં તે મૂર્છાગત થઇ પડી.

“બહેન ! બહેન ! અરે આ શું ?” રમા ઘણા ગભરાટમાં પડી ગઇ. તેને શું કરવું તે સૂઝ્યું નહિ, પણ પાસે પાણી હતું તેમાંથી પાણી લાવી બે ત્રણ છાલક મારી, એટલે વિભ્રાંત સ્થિતિમાંથી મોતી સાવધ થઇ.

“બહેન ! તમે આટલાં બધાં અધીરાં ને નમ્ર કેમ થયાં છો ? તમારા કરતાં મને કંઈ ઓછું લાગતું નથી, ને મારા મનમાં શું શું થાય છે, તેનો તમને ખ્યાલ માત્ર પણ નહિ હોય. પણ માન મારી આલી ! એ તમારો ગ્યાસુદ્દીન રૂમી તમને જેટલો વહાલો છે તેનાથી જરાપણ મને ઓછો નથી. પણ ચાલો ઉઠો ને સાવધ થઇ જે કરવાનું છે તે કરો.”

“અરે સખી ! આ વખતે તેં મને જીવનદાન દીધું છે, પણ મારા પ્રીતમ વગર મારી જિંદગી વ્યર્થ જાણજે. તેના માઠા સમાચાર આવતાં પહેલાં આ જીવ તેના કિરતારની હજૂર ચાલ્યો જશે.”

“પણ હવે તમારી એ પ્રેમવાર્તા પછી કરજો, હમણાં જે કરવાનું છે તે કરો. આ મુદ્રિકા તમે ધારણ કરો, એનાં માલિક તમે જ છો, ને તેથી એ તમારી આંગળીએ જ શોભશે. મેં નવાબ સાહેબના બચાવ માટે જોઇતા ઉપાય લીધા છે, એટલે તેમની જિંદગી માત્ર ધાસ્તીમાં છે એટલું જ જાણજો, પણ તે સેાએ નવ્વાણું ટકા સલામત છે. હમણાં થોડા વખતમાં મોટો અવાજ થાય તો તમારે જાણવું કે બહુ સંકટ છે, ને તેને માટે પૂરતી તૈયારી કરવી જોઇએ. તમારા સૈન્યના સરદારોને આ વર્તમાન નિવેદન કરીને સૌએ સજ્જ રહીને કામ કરવાનું છે.