પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૬
શિવાજીની સુરતની લૂટ

એમ જ સમજતો કે મારા સામા કોઈ પણ થવો જોઈએ નહિ. આવા તેના વિચાર હમણાં સુધી હતા. જે સામા મેદાનમાં એ હમણાં રાતો પીળો થતો બેઠો હતો ત્યાં પણ એ એવા જ વિચાર કરતો હતો ને તે આવી કોઈ તકની ચાહના તો ચાતક પેઠે રાખતો હતો. તો પછી સમય આવે એ કેમ ચૂકી જાય ! પણ શિવાજીના ત્રણ દિવસના સંહારથી અને સ્ત્રી ને બાળક૫ર જે અસહ્ય જુલમ કીધો હતો તેથી, ઈશ્વર પણ દુભાયો હોય ને તે જ હવે એનાં કાર્ય સામે નડતરરૂપ હોય તેમ જ ગમે તેવી એની બાજુ સબળી થવાનો પ્રસંગ આવે તોપણ તેમાંથી એનું નસીબ આડું જ ફાટતું હતું. ખાનસાહેબે હમણાં તરવાર ખેંચી છે ને સુરલાલ તેનાપર તરવાર નાંખવાનો વિચાર કરે છે; જો સુરલાલની તરવારથી ખાનનું મરણ થાય તો પઠાણો સુરલાલને એક કાફર સમજી કાં તો રીસાઈ જાય કે કાં તો સામા થઈ માંહોમાંહે જ કતલ ચલાવે. પણ એ વખત ઘણો વેગળો હોવાથી એક ત્રીજાના હાથથી જ તે પઠાણનું મરણ થયું ને તેથી તુરત ઉલટી શાંતિ પથરાઈ ગઈ.

મોતી ને રમા વાતમાં હતાં તે વખતે અકસ્માત નવરોજ ત્યાં જઈ પહોંચ્યો, તે આપણે ગયા પ્રકરણમાં જોઈ ગયા છીએ. નવરોજ આ નવી નાઝનીનને તુરત પીછાની ગયો ને તે કંઈક ગભરાયો ખરો, પણ મોતીએ સર્વ રીતનો જલદીથી ખુલાસો કીધો. નવરાજને પણ કેમ કરવું તે તુરત તો સૂઝ્યું નહિ તેથી ચિત્તભ્રમ જેવો થઈ પડ્યો પણ આવા બારીક કાળ ઘણીવાર આવેલો ને તેમાંથી બચેલો ને બીજાઓને બચાવેલા, તેથી તુરતાતુરત પોતાના મનસાથે સર્વ પ્રકારે નક્કી કરીને તે બોલ્યો :-

“મોતી, આ પ્રસંગ ઘણો બારીક છે, ને હવે કેમ વર્તવું તે જો કે મને સૂઝતું નથી, તો પણ મારાથી બનશે એટલું કરી તારા ખાવિંદને બચાવીશ.”

“બસ, મારે બીજું કંઈ જોઈતું નથી. માત્ર એટલું જ જોઇએ છે કે, હું મારા ખાવિંદને બચાવી શકું.” મોતીએ જુસ્સામાં જવાબ દીધો