પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૨
શિવાજીની સુરતની લૂટ


નવાબ મેદાનમાં એકલો ઉભો છે - જેમ સહરાના રણમાં એકાદ નાજુક છોડવો ઉભો હોયને ! તે એમ ચિંતાક્રાંત થયો હોય કે કોણ જાણે પશ્ચિમનો સુસવાટો ક્યારે આવશે કે તેના જડમૂળને પણ ઉખેડી નાંખશે !! તાનાજી માલુસરેએ એક તાલીમબાજના જેવો વેશ લીધો છે ને શિવાજી, દાદાજી, બલ્લાળ વગેરે તેના સહાયકો સામા વિરાજ્યા છે, અને સઘળા ચિંતાતુર છે કે પરિણામ કેવું આવે છે! પણ તે સઘળા કરતાં નવાબ વધારે ચિંતાને આધીન થયો છે, તેનું મોં ફીકું પડી ગયું છે, જાણે મોંપર લોહી જ નથી; પણ તેણે પોતાનું હીર જવા દીધું નથી. ઉમંગથી ઉભો રહ્યો છે, અને થોડુંક કૃત્રિમ ને થોડુંક સ્વાભાવિક બળ પોતાના મનમાં લાવીને અલ્લાહનું નામ દઈને લડવાને હામ ભીડી છે.

“પરશુરામ અવતાર ! જુઓ જુઓ ! પેલો મ્લેચ્છ કેવી રીતે સીનાથી ઉભો છે !” બલ્લાળે શિવાજીને કહ્યું, “એ ગમે તેવો છે, તો પણ ઘણો સારો અને વિરલો છે; જોઈએ માલુસરે કેમ ભીડાવે છે તે !”

“બલ્લાળ, તું માલુસરેનું તેજ ન હણ !” શિવાજીએ ઘણી દિલગીરી સાથે કહ્યું, “એના જય પરાજય૫ર ઘણી મોટી આશા છે, અને જો એ હાર્યો તો મેં નક્કી કીધું છે કે, આપણી દોલત ધૂળ મળવાની. મને ઘણાં અપશુકન થાય છે; અને એ શકુનનું ફળ ખચીત નબળું આવશે. દાદાજી, હવે ઈલાજ શો છે ? તમે કંઈ બતાવો કે સુખરૂપ એકવાર જઈએ. પણ તમે ખચીત યાદ રાખો કે, રામદાસસ્વામી જીવંત છે તો હું સૂર્યપુરના લોકોને છોડીશ નહિ. આ તેમની કરણીનાં ઘણાં ભૂંડાં ચખાડીશ.”

“ભાઈરે, હવે તો જે બને તે તું જો, માલુસરે કંઈ ગાંજ્યો જાય તેવો નથી તો પછીની ચિંતા શું કામ કરે છે?” દાદાજીએ હિમ્મત આપી.

“મને ચિંતા નથી, પણ મહાશ્રમે મેળવેલું આ દ્રવ્ય સહજમાં લૂંટાઈ જશે, તેનો કંઈ વિચાર કીધો ? આ યવનોથી ભરતખંડ સ્વચ્છ કરવું છે, તેમાં આ પહેલું વિઘ્ન ઘણું દિલને કંપાવે તેવું છે. મહારાજે