પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૪
શિવાજીની સુરતની લૂટ

પચવાનું નથી, ને તેમ જ થયું. પણ હવે તો જેવી વિઠોબાની ઇચ્છા. તેના આધારપર સર્વેનું જીવન છે; પણ મહાદેવ આપણી વાહરે ચઢે અને આજે બચીએ તો મોટો યાગ કરી પછીથી જ આપણી લડાયક શક્તિનો ઉપયોગ કરીશું.”

“હશે, એ બધી વાત પડતી મૂકો, નકામી યાગ ને ફાગની પીડા કાં કરો છો મહારાજ ?” બલ્લાળે કહ્યું, “આપણે આપણા નસીબપર હમણાં હાથ મૂકો કે માલુસરેનો જય થાય. જુઓ હવે બન્ને તત્પર થયા છે, હવે તો ખરેખરો રંગ જામ્યો છે !”

આ કચેરી મંડળે પોતાની નજર ફેરવી તો બન્ને પ્રતિપક્ષીઓ ઘણા જુસ્સામાં આવી રહ્યા હતા, ને બન્નેની મરજી ઘડી પળમાં પોતાના શત્રુને સ્વર્ગમાં મોકલી દેવાની હતી. નવાબ તો હવે રાક્ષસ જેવો બન્યો હતો; ને રમાએ જે વીંટી ને ચમત્કારિક ગોળા આપ્યા હતા, તેથી ધાર્યું કે, “એનું ઘર ફૂટ્યું છે તો મારો જય જ છે. ખુદા જેને આપે તેને ભલું, પણ મારે પણ બે હાથ છે, ને એને પણ છે; હું તરવાર, બરછી ને ભાલો સારી રીતે વાપરી જાણું છું તો પછી એ શી રીતે મારા૫ર ફાવી શકશે ?"

એમ વિચારી એકદમ એણે પોતાનો ડગલો કાઢી નાંખી અંદર જે બખ્તર પહેરેલું હતું તે બતાવ્યું અને શત્રુને મોહ ઉપજાવ્યો. ભાલો હાથમાં લઇ, તેની ધાર તપાસી ને જમૈયો બાજુએ બરાબર સંભાળ્યો, ને સૌને પોતપોતાની જગ્યાએ ગોઠવી દીધા. ગોળાઓને નીચે મૂક્યા જેનાપર કોઈની નજર પડી, અને કોઈની નહિ; પણ સઘળા આ ગોળાથી ઘણા ખરા બેદરકાર રહ્યા. જો કે તેમનો લડાઇમાં કેમ ઉપયોગ કરવો એ કેટલાક મરાઠા જાણતા હતા, તો પણ તેમના લક્ષમાં આ વાત રહી જ નહિ, ને કદી એમ પણ હોય કે, તેઓ એવા વિચારમાં રહ્યા હોય કે મરાઠાઓની શોધેલી વસ્તુ મુસલ્લા ક્યાંથી જાણે !

મુસલમીન નવાબે પોતાની છાતીનો સીનો કાઢ્યો, માલુસરે તેથી