પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૫
દ્વંદ્વયુદ્ધ

લેવાયો ને રમાપર જે પા૫દૃષ્ટિ કીધી હતી તે આ વેળાએ તેને સાંભરી આવી ને તેના વિચારમાં એક પળ ગમ ખાઈ ગયો.

તે જો કે પાછો તૈયાર થયો, પણ જ્યાં એકવાર તેજ ઉતર્યું તે ઉતર્યું: પાછું ચઢવું મુશ્કેલ થઈ પડે છે; તેમ જ માલુસરેની અવસ્થા બની. એટલામાં એકદમ નવાબ ગ્યાસુદ્દીન રુમીએ, સામી છબી જરાક દબાયલી જોઇ કે બૂમ મારી -

“ઓ કાફિર ! હવે ખુદાની દરગાહમાં જવાને કેટલી વાર છે ?” આ વાક્ય તે એવા તો જુસ્સામાં બોલ્યો કે, બીજા આસપાસ ઉભેલાઓ તો શરમિંદા જ પડી ગયા. માલુસરેને ઉત્તર દેવો સૂઝ્યો નહિ, પણ જાતે કાબેલ તેથી જ્યાં બીજી વેળાએ નવાબે બૂમ મારી કે, “એ કાફિરના બચ્ચા, હવે તારા ખુદાને યાદ કર, તારી ગરદનપર મારી તલવાર આવી ચૂકી છે.” એટલે માલુસરેએ જવાબ દીધો:- “ઉભો રહે, ઉભો રહે ! ઓ ગૌહત્યા કરનાર પાપી ચંડાળ ! ચોર ! ઓ નપુંસક ! અરે વેશ્યાપુત્ર, ગોત્રગામી તું ઉભો રહે! હવે નાસતો નહિ, ને તારો બચાવ તારા જ ખુદા પાસે થશે ! તમે મુસલ્લાઓ શું આ ભરતખંડમાં ગૌહત્યા કરશો ? ધિક્કાર છે, તને – તારા ખુદાને યાદ કર, ને હવે મરવાને તૈયાર થા.”

“ચલ! ચલ ! છોકરી ! લોંડી ! તું શું કરી શકે છે તે હમણાં બતાવીશ !” નવાબે તેને પૂરતો ધિક્કાર બતાવ્યો અને પોતાની તરવાર મ્યાનમાંથી કાઢી કહ્યું: “ખુદાના કસમ, હવે તને જીવતો છોડીશ નહિ. તારી મુરાદ બર આવશે, અને તારા પેલા પાપી ચોર ચંડાળ શિવાજીની પણ હાડકે હાડકી કાપી નાંખીશ, કે જેણે સૂર્યપુરનાં નાજુક સ્ત્રી ને બાળકને રડાવ્યાં છે, એ પાપનો બદલો શું તને નહિ મળશે ! હવે તારો અને મારો ખુદા છે, જો કોણને સહાય થાય છે! સંભાળ !” એમ કહી ધસી જઈ પોતાની તરવાર તાનાજી માલુસરેની તરવારપર એટલી તો સખતાઈથી મારી કે તાનાજીના હાથમાંની તરવાર ઉડી ગઈ !