પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શિવાજીની સૂરતની લૂટ

પડેલો હતો ત્યાં તૂટી પડ્યો અને તેને નસાડ્યો. તેણે મોગલોની પૂઠ એવી તો સજડ પકડી કે, એના જેવો નાશ તેમનો ભાગ્યે જ થયો હશે. કરતોજી ગુંઝરના ઉપરીપણાની કેવલરી (ઘોડેસ્વારો) મોગલોપર ઉતરી પડી, ને મોગલોને નામોશી સાથે નસાડ્યા, આ જય જેવો તેવો નહતો. સાષ્ટિખાને ઔરંગજેબને આ હારથી ખીજવાઈને લખી વાળ્યું કે, જશવંતસિંહ શિવાજીનો મારેલો છે, તેથી તે જોઈયે તેવો આશ્રય આપતો નથી. ઔરંગજેબે બંનેને બોલાવી લઈને મોયાઝીમને દક્ષિણનો સરસુબો કરીને મોકલ્યો, ને તેના હાથ નીચે પાછો જશવંતસિંહને પણ સૈન્ય આપીને મોકલ્યો, જશવંતસિંહે સીંહગઢપર ઘેરો ઘાલ્યો, પણ ઘણો સમય ટકાવી શકાયો નહિ, ને આખરે તેને પોતાનું સૈન્ય ખેંચી લઇને ઔરંગાબાદ આવવું પડ્યું.

ઔરંગજેબે આ નવા દુશ્મનને ઘણો મતબાલો જોઈને, તેને જેર કરવાની ઘણી ગોઠવણ કીધી; પણ એકે ફેરે રામદાસ સ્વામીના શિષ્યે તેનો જય પાકો થવા દીધો નહિ. જ્યારે ઔરંગજેબનું સૈન્ય નિયમિત યુદ્ધ કરવા આવતું, ત્યારે શિવાજી નાસભાગ કરતો. સિંહગઢમાં જશવંતસિંહને તોબા પોકરાવી તે ત્યાંથી નાઠો. પોતાના સૈન્યના એક ભાગને, થાણા જીલ્લાના કલ્યાણીની પડોસમાં લાવીને પડાવ નાંખ્યો; બીજો વિભાગ રાજાપુરમાં હતો. અૌરંગજેબને તે જણાવતો હતો કે, તેની મરજી વસઈપર ચઢાઈ કરવાની છે, પણ એ ગલત વાત હતી.

આ કાળે સુરતમાં પુષ્કળ દોલત અને સંપત્તિ છે એમ એના જાણવામાં આવ્યું. શિવાજીએ એ નગર લૂટવાનો વિચાર નક્કી કીધો. પણ શહેરની વ્યવસ્થા જાણ્યા વગર, વખતે જોઈએ તેટલો લાભ ન થાય એમ ધારી, ક્યાં ક્યાં, કોણ કોણને ત્યાં ધન છે, તેની છુપી શોધ કરવાનો વિચાર રાખ્યો. પોતાના એક પ્રખ્યાત મશહુર જાસૂસને મોકલવાનો ઠરાવ કીધો. આ પ્રકરણના પ્રારંભમાં જે દુનિયા ખાધેલ ઘોડેસ્વાર દેખાયો છે, તે શિવાજીનો દૂત બહિરજી નાયક છે. એ સૂર્યપુરની સ્થિતિ ને રંગ જોવાને આવ્યો છે.